જમ્મુ-કાશ્મીર પ્રશાસને કાશ્મીર ખીણના (Kashmir Valley) સાત મુખ્ય પર્યટન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. જેને 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવાયા હતા. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ખીણમાં પ્રવાસન પ્રવૃત્તિઓ ફરી જોર પકડશે તેવી આશા છે. આ નિર્ણય શુક્રવારે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં યોજાયેલી યુનિફાઇડ હેડક્વાર્ટરની (UHQ) બેઠક બાદ લેવામાં આવ્યો છે. આજે યુએચક્યુની બેઠકમાં સુરક્ષાની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી, જેના આધારે જમ્મુ અને કાશ્મીર ડિવિઝનમાં અસ્થાયી રૂપે બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ અપાયો છે.22 એપ્રિલના રોજ પહલગામના બાયસરન વિસ્તારમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ પ્રશાસને ઘાટી અને જમ્મુ ક્ષેત્રના લગભગ 50 પર્યટન સ્થળોને તાત્કાલિક અસરથી બંધ કરી દીધા હતા. જોકે, હવે સ્થિતિ સામાન્ય થતાં અને સુરક્ષાની સમીક્ષા બાદ, પ્રશાસન પ્રવાસીઓ માટે તબક્કાવાર રીતે સ્થળોને ફરીથી ખુલ્લા મૂકી રહ્યું છે.






