કફ સિરપથી મૃત્યુના મામલે બે સપ્તાહમાં રિપોર્ટ આપવા માનવ અધિકાર પંચનો નિર્દેશ…..

0
228

બનાવટી કફ સિરપ પીવાથી મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં 16 બાળકોનાં મોત થયાં હતાં,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બનાવટી કફ સિરપના કારણે 16 બાળકોના મોત થયાં બાદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સોમવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશ એમ ત્રણ રાજ્યોને નોટિસ ફટકારી આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત આવી બનાવટી કે નકલી કફ સિરપનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવા પગલાં લેવા જણાવ્યું છે.

પંચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન તથા ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસને પણ બનાવટી દવાઓના વેચાણ મામલે તપાસ કરવાનો તથા રાજ્યોમાં આવેલી તમામ પ્રાદેશિક લેબોરેટરીઝને બનાવટી દવાઓના સેમ્પલ લઈ તેના પરિક્ષણના રિપોર્ટ જમાં કરાવવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત પંચ દ્વારા ઉપરોક્ત ત્રણેય રાજ્યો ઉપરાંત કેન્દ્રીય વિભાગોને આ મામલે બે સપ્તાહમાં એક્શન ટેકન રિપોર્ટ સુપરત કરવા જણાવાયું છે. પ્રિયાંક કાનૂનગોની અધ્યક્ષતા હેઠળની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી)ની બેન્ચે માનવ અધિકાર સંરક્ષણ કાયદા, 1993 અંતર્ગત આ મામલાનું સંજ્ઞાન લીધું છે. એનએચઆરસી એ આ અંગે જારી કરેલી નોટિસમાં, સંબંધિત રાજ્યોના તમામ મુખ્ય ડ્રગ્સ કન્ટ્રોલર્સને બનાવટી દવાઓનું વેચાણ તાત્કાલિક બંધ કરાવવા તથા તેનો અહેવાલ સુપરત કરવા જણાવાયું છે.