ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન

0
40

44 બેઠકો માટે 2.59 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, 130 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે સીલ

ગાંધીનગર, તા. 11 ઓક્ટોબર : ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે રવિવારે મતદાન યોજાઈ રહ્યું છે. શહેરના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના ઉમેદવારો મેદાનમાં છે. કુલ 130 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય 2.59 લાખથી વધુ મતદારો કરશે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 295 મતદાન મથકો પર સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કુલ 90 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે.

આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 44-44 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 32 ઉમેદવારો, બહુજન સમાજ પાર્ટીના 2 ઉમેદવારો તથા 8 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. મતદાન દરમિયાન મતદારો પોતાના વિસ્તારના વિકાસ, નાગરિક સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મતાધિકારનો ઉપયોગ કરશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે યોજાઈ રહેલી આ ચૂંટણીના પરિણામો આગામી 13 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. પરિણામોને લઈને રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.