મુંબઈ : બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન ફરી એકવાર પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’ને લઈને ચર્ચામાં આવ્યા છે. 60 વર્ષની ઉંમરે પણ એક્શન હીરો તરીકે પડદા પર જોવા મળવાની તેમની ઇચ્છા અને પોતાની વાસ્તવિક ઉંમરને અનુરૂપ પાત્ર ભજવવાની વિચારધારાએ ચાહકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વધારી છે.
તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા Metaના ‘હાઉસ ઓફ ઇન્સ્ટાગ્રામ 2026’ કાર્યક્રમમાં ફિલ્મના બીજા ગીત ‘ડેડી કૂલ’ના લોન્ચિંગ દરમિયાન શાહરુખ ખાને ફિલ્મ પસંદ કરવા પાછળનું રસપ્રદ કારણ જણાવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મ નિર્માતા કરણ જોહર સાથેની વાતચીતમાં તેમણે પોતાના ફિલ્મી કરિયર અને બદલાતા અભિનયના અભિગમ અંગે ખુલ્લા દિલે વાત કરી હતી.
‘શું હું 60 વર્ષની ઉંમરે પણ હીરો બની શકું?’
શાહરુખ ખાને જણાવ્યું હતું કે જ્યારે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે હીરો બનવાનું તેમનું સપનું હતું. જોકે, સમય જતાં તેમને લાગ્યું કે પડદા પર પોતાની વાસ્તવિક ઉંમરને અનુરૂપ પાત્રો ભજવવા જોઈએ.
તેમણે એક ફિલ્મના શૂટિંગનો રસપ્રદ કિસ્સો પણ સંભળાવ્યો હતો. એક યુવાન અભિનેત્રી સાથે રોમેન્ટિક દૃશ્યના શૂટિંગ દરમિયાન અચાનક તેમને લાગ્યું કે બંને વચ્ચે ઉંમરનો તફાવત ઘણો છે. મજાકિયા અંદાજમાં તેમણે અભિનેત્રીને પૂછ્યું હતું કે, ‘કાલ સવારનું ગણિતનું હોમવર્ક પૂરું કર્યું છે ને દીકરી?’
આ ઘટનાએ તેમને વિચારતા કર્યા કે હવે પોતાની ઉંમરને અનુરૂપ પાત્રો ભજવવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે તેઓ 60 વર્ષની ઉંમરે પણ હીરો રહીને પોતાની ઉંમરને અનુરૂપ કેટલા કૂલ લાગી શકે છે તે જાણવા માગતા હતા.
સુહાના ખાન પણ ફિલ્મમાં જોવા મળશે
સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ‘કિંગ’ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે તેમની પુત્રી સુહાના ખાન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, અનિલ કપૂર, બોબી દેઓલ અને અન્ય કલાકારો પણ ફિલ્મનો હિસ્સો છે.
ફિલ્મના ‘ડેડી કૂલ’ ગીતમાં શાહરુખ ખાન અને કરીના કપૂર ખાનની જોડી જોવા મળી રહી છે. બંને કલાકારો લાંબા સમય બાદ ફરી એકસાથે સ્ક્રીન પર જોવા મળતાં ચાહકોમાં ઉત્સાહ છે.
24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
શાહરુખ ખાનની આ એક્શન એન્ટરટેઇનર ફિલ્મ 24 ડિસેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે દર્શકોને ફિલ્મમાં શાહરુખ ખાનનો નવો અંદાજ જોવા માટે રાહ જોવી પડશે.






