ગાંધીનગર:રાજ્ય સરકારના પારદર્શક વહીવટના દાવાઓ વચ્ચે પાટનગરની જ આરટીઓ કચેરીમાં વાહનોના ટેક્સ
કૌભાંડમાં છ કારકૂનોને નોટિસ ફટકારી ખાતાકીય તપાસ શરૂ કરાતાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ગાંધીનગર આરટીઓ કચેરીમાં લકઝુરીયસ કાર સહિત ૨૦ વાહનોને સરકારી વાહનોમાંખપાવી દઈને ગત વર્ષ દરમિયાન
૪૮ થી ૫૦ લાખના ટેક્સની ચોરીનું કૌભાંડ ઓડીટમાં બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. વાહનવ્યવહાર વિભાગ દ્વારા થયેલ પ્રાથમિક તપાસમાંઆ કૌભાંડ આચારનારાઓની કશી ભાળ મળી ન હતી.ત્યારબાદ વાહનવ્યવહાર
કમિશ્નરના આદેશને પગલે આ સંદર્ભે પોલીસમાં અરજીઆપવામાં આવી હતી.
આ કૌભાંડ અંગે મળેલ વિગતો મુજબ વર્ષ ૨૦૧૮માં ગાંધીનગર આરટીઓમાં પાસીંગ થયેલ લકઝુરીયસ કાર સહિત ૨૦ જેટલા વાહનોને સરકારી વાહન તરીકે દર્શાવી તેના ટેક્સની રકમ ભરવાની થતી ન હોવાનું દર્શાવી ૫૦ લાખ જેટલી જંગી રકમની ટેક્સ ચોરી થયાનું જણાતા ઉચ્ચ કક્ષાએથી આ બાબતનેગંભીરતાથી લઈ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ ૨૦ વાહનોને ટેક્સ મુક્ત આપ્યા બાદ જે તે વ્યક્તિ તે ડીલરના નામે ચઢાવી દેવામાં આવ્યા હોઈ આ સુઆયોજિત કૌભાંડમાં છ જેટલા કારકૂનોને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે ટેક્સ મુક્તિ પામેલા આ ૨૦ વાહનોનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવ્યું છે.કારકૂનોના નિવેદન લેવાયા બાદ આગળ તપાસ વધારવાની વાતો કરનાર ઉચ્ચ વિભાગ આ કૌભાંડને નિષ્પક્ષપણે ઉજાગર કરી સરકારના પારદર્શક વહીવટના દાવાને સાચો પૂરવાર કરશે કે ભીનું સંકેલીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપશે એ તો આગામી ભવિષ્યમાં જ જાણવા મળી જશે.