ફિલ્મ ‘મચ્છુ’ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મોટો ચેન્જ લાવશે….

0
413
મારો તો જન્મ પણ નહોતો થયો એ સમયે. મારો જ નહીં, મારા મોટા ભાઈનો પણ જન્મ નહોતો થયો ત્યારે. એ સમયે મોરબીમાં મચ્છુ ડૅમ તૂટ્યો અને ડૅમનું બધું પાણી શહેરમાં ઘૂસી ગયું. મોરબી આખું તહસનહસ થઈ ગયું. સેંકડો લોકોના જીવ ગયા, અનેક લોકો ગુમ થયા, જેમનો આજ સુધી પત્તો નથી મળ્યો. શહેરની એકેક વ્યક્તિ પાયમાલ થઈ ગઈ. આખું શહેર કાદવ-કાદવ થઈ ગયું હતું. ઇલેક્ટ્રિસિટીના વાયર પર મરેલી બકરી ટીંગાતી હોય અને ટેલિફોનના કેબલ પર તણાઈને આવેલાં ગાય અને ભેંસનાં ડેડ બૉડી હોય. મોરબી ફ્લડની એ હોનારત વિશે મેં વાતો બહુ સાંભળી છે અને એ વાતો સાંભળ્યા પછી ક્યુરિયોસિટીથી મેં એના ફોટોગ્રાફ્સ પણ નેટ પર શોધીને જોયા છે. આ જ રિયલ ઇન્સિડન્ટ પર હવે ફિલ્મ આવે છે. ટાઇટલ છે એનું ‘મચ્છુ’. આ ફિલ્મનો લીડ હીરો મયૂર ચૌહાણ છે. મયૂરને બધા માઇકલના હુલામણા નામે વધારે ઓળખે છે.
‘રાડો’એ હમણાં જેમ એક નવી જ લહેર ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લાવી દીધી છે એવી જ લહેર માઇકલની આ ફિલ્મ લાવશે એવું હું દાવા સાથે કહી શકું. એ ફિલ્મ પાછળ જેટલી મહેનત થઈ છે, આજે પણ થઈ રહી છે એની તમે કલ્પના પણ ન કરી શકો. છેલ્લાં ત્રણ વર્ષથી આ ફિલ્મનું વીએફએક્સનું કામ ચાલે છે અને હજુ પણ એ આવતા છ મહિના ચાલશે એવું કહે છે.
ફ્લડ આવ્યું એ રાતને ફિલ્મમાં લેવામાં આવી છે. ફિલ્મ શરૂ થાય છે નૉર્મલી રેઇની-નાઇટથી પણ એ રેઇની-નાઇટ કેવી રીતે ટ્રૅજેડીમાં ફેરવાય છે એની આખી વાત છે. ડૅમ તૂટ્યો એ સિક્વન્સ પણ ફિલ્મમાં છે અને એ સમયે મોરબી શહેરની હાલત કેવી થઈ હતી એની વાત પણ ફિલ્મમાં છે. અત્યારે જે રીતે ‘રાડો’એ એક નવી જ શરૂઆત કરીને બધાને નવા સબ્જેક્ટ્સ માટે વિચારવાની દિશા ઓપન કરી આપી છે એવું જ ‘મચ્છુ’ રિલીઝ થશે એ પછી બનશે એવું હું દાવા સાથે કહી શકું.
આજે મને માઇકલ વિશે પણ કહેવું છે. માઇકલની ફિલ્મ સિલેક્ટ કરવાની જે સેન્સ છે એ બહુ સરસ છે. માઇકલે ‘છેલ્લો દિવસ’થી શરૂઆત કરી અને એમાં બહુ નાનકડા રોલમાં પણ તે રીતસર છવાઈ ગયો. ફિલ્મમાં તેણે આપણા ઍક્ટર નરેશ કનોડિયાની સ્ટાઇલમાં જે ડાયલૉગ ડિલિવરી કરી એનાથી તે એવો પૉપ્યુલર થઈ ગયો કે કોઈ વિચારી પણ ન શકે. અરે, એનાં મીમ્સ બનવા માંડ્યાં અને લોકો પણ એ ડાયલૉગ બોલીને બહુ મજાક કરતા. એ સમયે જો રીલ્સ કે શૉર્ટ્સ આવી ગયા હોત તો ૧૦૦ ટકા ગણ્યા ગણાય નહીં એટલા વિડિયો બન્યા હોત. એ ફિલ્મ પછી માઇકલને એવા જ બીજા અનેક રોલ ઑફર થયા, પણ માઇકલ જરા પણ ઉતાવળ કર્યા વિના એમ જ બેસી રહ્યો અને પછી સીધો તે ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’માં જોવા મળ્યો.
માઇકલ બહુ ટૅલન્ટેડ ઍક્ટર છે અને એ પછી પણ તેણે અત્યાર સુધીમાં માંડ ચારથી પાંચ ફિલ્મો કરી છે. માઇકલ માટે બધા એક મજાક બહુ કરે. માઇકલ મળે એટલે બધા તેને એવું પૂછેઃ કેટલી ફિલ્મ રિજેક્ટ કરી?
હા, કઈ ફિલ્મ સાઇન કરી નહીં, કેટલી ફિલ્મ રિજેક્ટ કરી એવું માઇકલને પૂછવામાં આવે અને માઇકલ પણ મસ્ત રીતે જવાબ આપતાં આંકડો આપે. માઇકલને રૂટીન કે રિપીટ કામ નથી કરવું અને એવું જ હોવું જોઈએ. તે પોતાના રોલ માટે રીતસર મહેનત કરે છે અને એ મહેનત પણ એવી હોય કે બીજા સ્ટાર્સ વિચારી પણ ન શકે.
થોડા સમય પહેલાં માઇકલની ફિલ્મ ‘સૈયર મોરી રે…’ આવી એની જ એક વાત કહું. માઇકલ એ ફિલ્મમાં
હરિનું કૅરૅક્ટર કરે છે, જે નાના ગામમાં રહે છે. આ કૅરૅક્ટર માટે રીતસર માઇકલ રાજકોટ પાસે આવેલા એક
ગામની ગૌશાળાની પૉર્ચમાં સૂતો
હતો. શૂટિંગ ચાલુ થયું એ પહેલેથી જ, જેથી એ ઉજાગરો તેની આંખોમાં સાચી રીતે આવે!