હવે ટીવી ચેનલોએ દરરોજ 30 મિનિટ રાષ્ટ્રીય હિતના કાર્યક્રમ બતાવવા પડશે

0
215

હવે ટેલિવિઝન ચેનલોએ દરરોજ 30 મિનિટ માટે રાષ્ટ્રીય હિત અથવા જાહેર સેવા સંબંધિત કાર્યક્રમ પ્રસારીત કરવા પડશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેના નવા અપલિંકિંગ અને ડાઉનલોડિંગ નિયમોમાં આ જોગવાઈ કરી છે. જોકે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ નિયમ સ્પોર્ટસ, વન્યજીવ અને વિદેશી ચેનલો માટે લાગુ પડશે નહીં.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ  જણાવ્યું હતું કે, “અમે ટૂંક સમયમાં આ અંગે એક પરિપત્ર લાવીશું, પરંતુ તે પહેલાં અમે તમામ સંબંધિત સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક કરીને ચર્ચા કરીશું.” અધિકારીએ જણાવ્યું કે તમામ ચેનલો માટે 30 મિનિટ માટે રાષ્ટ્રીય હિતમાં ટીવી પ્રોગ્રામ પ્રસારિત કરવાનું ફરજિયાત રહેશે. રાષ્ટ્રીય હિતમાં સામગ્રીના પ્રસારણના સમય વિશે વાત કરતા અધિકારીએ કહ્યું કે તેઓ રૂપરેખા ઘડી રહ્યાં છે. નવી માર્ગદર્શિકા જણાવે છે કે એરવેવ્સ/ફ્રિકવન્સી જાહેર મિલકત છે અને તેનો સમાજના શ્રેષ્ઠ હિતમાં ઉપયોગ કરવાની જરૂર છે. ચેનલના અપલિંક અને ભારતમાં તેના ડાઉનલિંકિંગ માટે  પરવાનગી ધરાવતી કંપની/એલએલપી રાષ્ટ્રીય મહત્વ અને સામાજિક સુસંગતતાની થીમ પર દિવસમાં ઓછામાં ઓછા 30 મિનિટ માટે જાહેર સેવા પ્રસારણ હાથ ધરી શકે છે.

માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરાયું કે કે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા વિષયોમાં શિક્ષણ અને સાક્ષરતાનો ફેલાવો સામેલ છે. તેમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, મહિલા કલ્યાણ, સમાજના નબળા વર્ગોના કલ્યાણ, પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રીય એકતાનો સમાવેશ થાય છે. ચેનલો આ નિયમના પાલન માટે માટે તેમની સામગ્રીને યોગ્ય રીતે તૈયાર કરી શકે છે.  કેન્દ્ર સરકાર, રાષ્ટ્રીય હિતમાં સામગ્રીના પ્રસારણ માટે ચેનલો માટે સમયાંતરે એડવાઇઝરી જારી કરશે અને ચેનલોએ તેનું પાલન કરવાનું રહેશે.