પરમવીર ચક્ર વિજેતાઓનાં નામથી ઓળખાશે આંદામાન-નિકોબારના ટાપુઓ

0
136

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ શતાબ્દી નિમિત્તે ગઈ કાલે આંદામાન-નિકોબાર ટાપુના ૨૧ મોટા અનામી ટાપુને નામ આપવાની ઉજવણીમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો તથા આ ટાપુઓને પરમવીર ચક્ર અવૉર્ડ મેળવનાર ૨૧ હસ્તીઓનાં નામ આપ્યાં હતાં. આ પ્રસંગે તેમણે નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મૉડલનું પણ અનાવરણ કર્યું હતું, જે નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ પર બનાવવામાં આવશે.જ્યારે ઇતિહાસ રચાશે ત્યારે ભાવિ પેઢીઓ માત્ર તેમને યાદ રાખવા અને તેમનું મૂલ્યાંકન કરવા ઉપરાંત તેમના જીવન પરથી પ્રેરણા પણ મેળવશે. આજના દિવસને ભાવિ પેઢી દેશના ​ઇતિહાસના એક મહત્ત્વપૂર્ણ દિવસ તરીકે યાદ રાખશે એમ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે પણ સેલ્યુલર જેલમાંથી દર્દ સાથે અદ્ભુત જુસ્સો વ્યક્ત કરતા અવાજ સંભળાય છે. બંગાળથી દિલ્હી અને આંદામાન સુધીના દેશના દરેક હિસ્સામાં આજે પણ નેતાજીના વારસાનું જતન કરાય છે તથા તેમની દેશભક્તિને પ્રણામ કરાય છે. આપણી લોકતાંત્રિક સંસ્થાઓ તેમ જ કર્તવ્યપથ પરની નેતાજીની ભવ્ય પ્રતિમા આપણને દેશ પ્રત્યેની આપણી ફરજોને યાદ અપાવતી રહેશે.