CMના કાફલામાં 20 વર્ષે સ્કોર્પિયોના બદલે ફોર્ચ્યુનર

0
208

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી લીધી છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સીએમના કાફલામાં સ્વદેશી મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓનો સમાવેશ કરાયો હતો. જોકે ભૂપેન્દ્ર પટેલે તે ગાડીઓને બદલીને હવે નવી નક્કોર ફોર્ચ્યુનર ગાડીઓ પોતાના ઉપયોગ માટે છોડાવી છે. સરકારે મુખ્યમંત્રીના આ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે છ ગાડીઓ રહે છે, પરંતુ ઇમરજન્સીના સમયમાં ઉપયોગમાં લેવું પડે તેમ હોય તો એક સ્ટેન્ડ બાય કાફલા તરીકે અન્ય છ ગાડીઓને પણ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા તથા તકનીકી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. સોમવારે જ મુખ્યમંત્રી પોતાના કાફલામાં ફોર્ચ્યુનર ગાડીમાં સવાર થઇને સચિવાલય આવ્યા હતા. તેમની ગાડીના ડેશબોર્ડ પર તેઓના શ્રદ્ધાના કેન્દ્ર એવા સીમંધર સ્વામીની સફેદ પ્રતિમા પણ મૂકવામાં આવી છે. સૂ્ત્રોના જણાવ્યા મુજબ પટેલને સ્કોર્પિયો કરતા ફોર્ચ્યુનર ગાડી વધુ પસંદ હોવાથી આ મોડલ પસંદ કરાયું છે. કાફલાની તમામ ગાડીઓ એક જ મોડલ અને એક જ રંગ હોય છે.