રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની આભાર દરખાસ્તની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોંગ્રેસ તીખા વળતા હુમલા હુમલા કર્યા હતાં અને સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન સાથેના સીમાચિહ્નરૂપ કરાર પછી ભારત અમેરિકા સાથે વેપાર કરાર કરવાની તૈયારીમાં છે. આનાથી ભારત પર વૈશ્વિક સમુદાયના વિશ્વાસમાં વધારો થયો છે. હવે વિશ્વ ઝડપથી એક નવી વિશ્વ વ્યવસ્થા તરફ આગળ વધુ રહ્યું છે અને તેનો ઝુકાવ ભારત તરફ છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથે ભારતના વેપાર કરારોએ વિશ્વમાં વિશ્વાસ જગાડ્યો છે. વિશ્વ હવે સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે. ભારત અનેક રાષ્ટ્રો સાથે કરારો પર હસ્તાક્ષર કરી રહ્યું છે. છેલ્લા કેટલાંક દિવસોમાં અમે નવ મોટા રાષ્ટ્રો સાથે વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં યુરોપિયન યુનિયનના 27 દેશોના બ્લોક સાથે ‘મધર ઓફ ઓલ ડીલ’નો સમાવેશ થાય છે. ભારતે પાછળ ફરીને જોવાની કે રોકાવાની જરૂર નથી, પરંતુ વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ફક્ત આગળ વધવાની જરૂર છે.
મોદીએ જણાવ્યું હતું કે હવે એક નવું વિશ્વ નવી વૈશ્વિક વ્યવસ્તા તરફ આગળ વધી રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી એક વિશ્વ વ્યવસ્થા હતી. હવે વિશ્વ ઝડપથી એક નવી વિશ્વ વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે અને તેનો સૌથી મોટો આનંદ છે કે આ નવી વૈશ્વિક વ્યવસ્થાનો ઝુકાવ ભારત તરફ છે. ભારત અનેક દેશોનો વિશ્વસનીય ભાગીદાર દેશ બન્યો છે.






