G20માં નવી દિલ્હી ઘોષણાપત્રનો સ્વીકાર થયો : આફ્રિકન યુનિયન નવું મેમ્બર બન્યું

0
256

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ચાલી રહેલી G20 બેઠકના બીજા સત્રની શરૂઆત દરમિયાન મોટી જાહેરાત કરી. બીજા સત્રની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ મહેમાન દેશોના રાષ્ટ્ર અધ્યક્ષોને સંબોધતા કહ્યું હતું કે, નવી દિલ્હી જી-20 ઘોષણા પર સર્વસંમતિ સધાઈ છે. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે આ ઘોષણા પત્રનો સ્વીકાર થવો જોઈએ. આ વાત કર્યા બાદ થોડી જ ક્ષણોમાં વડાપ્રધાને જાહેરાત કરી કે દિલ્હી ઘોષણા પત્રને અપનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આફ્રિકન યુનિયનને G20નું સભ્ય બનાવવાના પ્રસ્તાવને શનિવારે આ પ્રભાવશાળી સમૂહના તમામ સભ્ય દેશોએ સ્વીકારી લીધો હતો. આ સાથે ‘ગ્લોબલ સાઉથ’નું આ મુખ્ય જૂથ વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓના વિશિષ્ટ જૂથમાં જોડાઈ ગયું છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ આ સત્રની શરૂઆતમાં મંત્રીઓ અને અધિકારીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. આ પહેલા પીએમ મોદીએ G20 કોન્ફરન્સના પહેલા સત્રમાં કહ્યું હતું કે 21મી સદી દુનિયાને નવી દિશા આપવાનો સમય છે. ખાસ વાત એ છે કે G-20 સમિટને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ દેશનું નામ લેતા ‘ભારત’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.