GDP ગ્રોથ Q2માં ઉછળીને 8.2%

0
252

દેશનો જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2)માં ઉછળીને 8.2 ટકા થયો હતો, જે છેલ્લાં છ ક્વાર્ટરમાં સૌથી વધારે છે. જીએસટીમાં ઘટાડો થતાં કન્ઝમ્પ્શન વધશે તેવી આશાએ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો, જેણે કૃષિ ઉત્પાદનમાં ઘટાડાને સરભર કરી દીધો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટર (Q1)માં ગ્રોથ 7.8 ટકા રહ્યો હતો અને ગત વર્ષે Q2માં 5.6 ટકા રહ્યો હતો. અગાઉ 2023-24ના ચોથા ક્વાર્ટર(Q4)માં 8.4 ટકાનો ગ્રોથ નોંધાયો હતો. આ સાથે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો ગ્રોથ વિશ્વમાં સૌથી વધુ રહ્યો છે. ચીનનો ગ્રોથ 4.8 ટકા રહ્યો હતો. મહત્વનું એ છે કે અમેરિકાના આકરા ટેરિફ છતાં ગ્રોથ આટલો મજબૂત રહ્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (NSO)એ શુક્રવારે જાહેર કરેલા ડેટા અનુસાર રિયલ જીડીપી અંદાજિત રૂ.48.63 લાખ કરોડ થયો છે, જે ગત વર્ષે Q2માં રૂ.44.94 લાખ કરોડ હતો. આમ, તેમાં 8.2 ટકાનો વધારો થયો હતો. નોમિનલ જીડીપી અંદાજિત રૂ.85.25 લાખ કરોડ થયો છે, જે ગત વર્ષે Q2માં રૂ.78.40 લાખ કરોડ હતો. આમ, તેમાં 8.7 ટકાનો વધારો થયો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બરના પ્રથમ છ મહિનાનો સરેરાશ ગ્રોથ 8 ટકા થયો છે, જે ગત વર્ષે આ ગાળામાં 6.1 ટકા હતો. પ્રથમ બે ક્વાર્ટરના પ્રોત્સાહક ગ્રોથને કારણે હવે સમગ્ર વર્ષના ગ્રોથનો આર્થિક સર્વેમાં અપાયેલો 6.3-6.8 ટકાનો અંદાજ ખૂબ સરળતાથી પાર થઈ જશે તેમ મનાય છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 9.1 ટકા રહ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં 2.2 ટકા હતો. સર્વિસીઝ સેક્ટર (બેન્કિંગ અને રિયલ્ટી સહિત)નો ગ્રોથ 10.2 ટકા રહ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં 7.2 ટકા રહ્યો હતો. જોકે કૃષિ ક્ષેત્રનો ગ્રોથ ઘટીને 3.5 ટકા રહ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં 4.1 ટકા હતો.

રિયલ પ્રાઈવેટ ફાઈનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર (PFCE) 7.9 ટકા રહ્યો હતો, જે ગત વર્ષે Q2માં 6.4 ટકા હતો.

ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે ગ્રોથના આ આંકડા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગ્રોથ અપેક્ષા કરતાં ખૂબ સારો રહ્યો છે અને છ સપ્તાહમાં સૌથી વધુ રહ્યો છે. વિપરીત બેઝ, અમેરિકાના ટેરિફની સંભવિત નકારાત્મક અસર અને સરકાર પાસે મૂડીખર્ચ માટે મર્યાદિત અવકાશ જોતા આગામી ક્વાર્ટરમાં ગ્રોથ 8 ટકાથી ઓછો રહેવાની સંભાવના છે. તેમ છતાં ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 7 ટકાથી વધારે રહેશે તેમ જણાય છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે જીડીપી ડેટા દર્શાવે છે કે આર્થિક સુધારા અને ફિસ્કલ કોન્સોલિડેશનને કારણે અર્થતંત્રમાં મજબૂત ગ્રોથ અને મોમેન્ટમ જોવા મળ્યું. વિવિધ હાઈ-ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સે દર્શાવ્યું છે કે કન્ઝમ્પ્શન આધારીત ગ્રોથ મોમેન્ટમ આગામી સમયમાં ચાલુ રહેશે. આ સાથે ભારત સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરતું અર્થતંત્ર બની ગયું છે. અમેરિકાના આકરા ટેરિફ સહિતના વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનો જીડીપી ગ્રોથ મહત્વનો છે.

જીડીપી ગ્રોથ પ્રોત્સાહક, આર્થિક સુધારા ચાલુ રહેશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હરતું કે દેશનો જીડીપી ગ્રોથ Q2માં 8.2 ટકા રહ્યો જે ખૂબ જ પ્રોત્સાહક છે. તે લોકોના સખત પરિશ્રમ અને ઉદ્યોગસાહસિકતાનું પ્રતિબિંબ છે. તે સરકારની ગ્રોથલક્ષી નીતિઓ અને આર્થિક સુધારા પણ દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે દેશમાં આર્થિક સુધારા ચાલુ રહેશે અને દેશના દરેક નાગરિકનું જીવન વધુ સુગમ બનાવવા માટે સરકાર પ્રયાસશીલ રહેશે.