GST 2.0નો 22 સપ્ટેમ્બરથી અમલ……

0
319

માળખું તર્કસંગત બનાવાયું, 5% અને 18%ના ફક્ત બે જ ટેક્સ સ્લેબ રહેશે,ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના માળખામાં ધરખમ ફેરફાર કરીને અગાઉના ચારને બદલે ફક્ત બે જ સ્લેબ 5 અને 18 ટકા કરવાનો નિર્ણય બુધવારે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો હતો. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ અંગે સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. કેન્દ્રે જરૂરી ચીજવસ્તુઓ પરના GST દર ઘટાડીને દેશવાસીઓને દિવાળીની ભેટ નવરાત્રિમાં જ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરેલા ભાષણમાં સૌપ્રથમ GST સુધારાના રૂપે દેશના લોકોને દિવાળીનો ઉપહાર આપાવની જાહેરાત કરી હતી. GST કાઉન્સિલના આ નિર્ણયથી અમેરિકા દ્વારા 50 ટકા જેટલો ઊંચો ટેરિફ ઝીંકાયા બાદ સ્થાનિક ખર્ચને વેગ તથા અર્થતંત્રને બૂસ્ટર ડોઝ મળી રહેશે. GST 2.0 અંતર્ગત હવે ફક્ત 5 અને 18 ટકા એમ બે સ્લેબ જ રહેશે અને તેનો અમલ નવરાત્રિના પ્રથમ દિવસથી અર્થાત 22 સપ્ટેમ્બરથી કરાશે. બેઠક બાદ નાણાં મંત્રીએ જણાવ્યું કે, GST સુધારણા અંગેના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા છે અને કોઈ રાજ્ય સાથે મતભેદ થયો નથી. GST કાઉન્સિલ પેનલે પ્રવર્તમાન 5, 12, 18 અને 28 ટકાના GST દરના માળખાને વધુ તર્કસંગત બનાવતા 5 અને 18 ટકા સાથેના નવા માળખાને મંજૂરી આપી છે. આ સાથે જ લક્ઝરી ગાડીઓ, તમાકુ ઉત્પાદનો, ગુટકા, કેફિનયુક્ત પીણા પર વિશેષ 40 ટકા જેટલા અધધ GSTને બહાલી અપાઈ હતી. જીવન અને આરોગ્ય વીમા પર 18 ટકા GSTને નાબૂદ કરાવનું પ્રોત્સાહક પગલું લેવાયું હતું. GST માળખામાં ફેરફારથી રૂ.48,000 કરોડની ખોટનો અંદાજ છે.