PM મોદી સામે બિલાવલની અભદ્ર ટિપ્પણીથી ભડકો

0
262

યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતે પાકિસ્તાનને ત્રાસવાદનું મુખ્ય કેન્દ્ર ગણાવ્યા પછી આ કટ્ટર ઇસ્લામિક દેશના નેતાઓ હતાશામાં પોતાના મગજ પરનો અંકુશ ગુમાવી બેઠા છે અને ભારતના વડાપ્રધાન માટે અત્યંત વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા પર ઉતરી આવ્યા છે. ભારતે પણ આવી હલકી ટીપ્પણીની આકરી નિંદા કરીને તેને શરમજનક ગણાવી હતી. ભારતે જણાવ્યું હતું કે આ ટિપ્પણીઓ તે દેશ માટે પણ “નવું નીચું સ્તર” છે.

વિદેશ પ્રધાન એસ જયશંકરના નિવેદનના જવાબમાં મીડિયાને સંબોધતા પાકિસ્તાનના વિદેશ  પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જણાવ્યું હતું કે ઓસામા બિન લાદેન મૃત્યુ પામ્યો છે. મોદી પર ભારતના પીએમ બનતા પહેલા અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
બિલાવલે વાણીવિલાસ કરતાં જણાવ્યું હતું કે “અમે આતંકવાદમાં ભારત કરતાં વધુ જીવ ગુમાવ્યા છે. અમારા લોકો ત્રાસવાદનો ભોગ બને તેવું અમે શા માટે ઇચ્છીએ? અમે બિલકુલ આવુ કરતા નથી…. આ આરએસએસના વડા પ્રધાન અને આરએસએસના વિદેશ પ્રધાન છે. આરએસએસ શું છે? આરએસએસ હિટલરના એસએસમાંથી પ્રેરણા લે છે.

બિલાવલે જણાવ્યું હતું કે ભારતના વિદેશ પ્રધાને યુએનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું છે, પરંતુ RSS ગાંધીની વિચારધારામાં માનતું નથી. આરએસએસ ગાંધીને ભારતના સ્થાપક તરીકે જોતું નથી અને તેઓ ગાંધીની હત્યા કરનાર આતંકવાદીને હીરો માનીને તેની પૂજા કરે છે. બિલાવલની ટિપ્પણીની સખત નિંદા કરતાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ પ્રધાનની આવી હતાશા તેમના પોતાના દેશમાં આતંકવાદી સાહસોના માસ્ટરમાઇન્ડ માટે વધુ સારી રહી હોત. તેમના દેશ ત્રાસવાદને રાજ્યની નીતિનો ભાગ બનાવ્યો છે.