T20 ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી રનચેઝ જોવા મળી શુક્રવારે

0
383

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અત્યાર સુધીના ઇતિહાસમાં જે ઘટનાઓ નથી બની એ IPLની ૧૭મી સીઝનમાં બની રહી છે. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી સીઝનની ૪૨મી મૅચમાં ફિલ સૉલ્ટના ૭૫ રન અને સુનીલ નારાયણના ૭૧ રનની ઇનિંગ્સની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે ૬ વિકેટ ગુમાવીને ૨૬૧ રન ફટકાર્યા હતા, જેની સામે જૉની બેરસ્ટૉની ૧૦૮ નૉટઆઉટ અને શંશાક સિંહની ૬૮ નૉટઆઉટની ઇનિંગ્સની મદદથી પંજાબ કિંગ્સે બે વિકેટના નુકસાન સાથે ૧૮.૪ ઓવરમાં ૨૬૨ રન બનાવીને IPLની સાથે T20 ક્રિકેટમાં સૌથી મોટા ટાર્ગેટ-ચેઝનો રેકૉર્ડ બનાવ્યો હતો. આ પહેલાં T20 ક્રિકેટમાં સૌથી મોટા રનચેઝનો રેકૉર્ડ સાઉથ આફ્રિકાના નામે હતો, જે એણે ગયા વર્ષે ૨૦૨૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે બનાવ્યો હતો. સાઉથ આફ્રિકાએ ૨૫૯ રનના ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. IPLમાં સૌથી મોટા સફળ રનચેઝનો રેકૉર્ડ રાજસ્થાન રૉયલ્સના નામે હતો, જેણે ૨૦૨૦માં પંજાબ સામે અને ૨૦૨૪માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૨૨૪ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
શુક્રવારની મૅચમાં ૪૨ સિક્સર અને ૩૭ ચોગ્ગાની મદદથી કુલ ૪૦૦ રન બન્યા હતા. IPLમાં ત્રીજી વાર અને T20માં ૨૦૨૧ બાદ સાતમી વાર એક મૅચમાં ૫૦૦ પ્લસ રન બન્યા હતા. એક ઇનિંગ્સમાં ૨૪ સિક્સર ફટકારીને પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદના બાવીસ સિક્સરના રેકૉર્ડને તોડ્યો હતો.