અદાણી મામલામાં કમિટી બનાવવા કેન્દ્ર રાજી….

0
203

અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેર્સમાં મોટું ગાબડું પડી ગયું છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેર્સના ભાવમાં ઘટાડા મામલે સુપ્રીમ કોર્ટમાં બે જાહેર હિતની અરજીઓ થઈ છે. જેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, સરકારને એક્સપર્ટસ સમિતિ બનાવવા સામે કોઈ વાંધો નથી.કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, શેરબજાર માટે રેગ્યુલેટરી તંત્રને મજબૂત કરવા માટે એક્સપર્ટસ સમિતિની રચના કરવાના પ્રસ્તાવને લઈને તેને કોઈ વાંધો નથી. સુપ્રીમ કોર્ટ હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રુપના શેર્સમાં ઘટાડાના મામલે સુનાવણી કરી રહી હતી. કેન્દ્ર સરકારે જોકે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચને જણાવ્યું કે, વ્યાપક હિતને જોતા તે સીલબંધ કવરમાં સમિતિ માટે તજજ્ઞોના નામ અને તેમના કાર્યક્ષેત્રની જાણકારી આપવા ઈચ્છે છે.કેન્દ્ર સરકાર અને સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, બજાર નિયામક અને અન્ય કાયદાકીય એજન્સીઓ હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા પછી ઉભી થયેલી પરિસ્થિતિઓનો સામનો કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, સરકારને સમિતિ બનાવવામાં કોઈ વાંધો નથી. પરંતુ તજજ્ઞોના નામની ભલામણ અમે કરી શકીએ છે. અમે સીલબંધ કવરમાં નામ સૂચવી શકીએ છીએ. મેહતાએ આશંકા વ્યક્ત કરી કે, પેનલની રચના પર કોઈપણ ‘અનિચ્છીત’ સંદેશનો ધન પ્રવાહ પર પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે.

સુપ્રીમ કોર્ટે રોકાણકારોને નુકસાન પહોંચાડવા અને અદાણી ગ્રુપના શેર્સને કુત્રિમ રીતે ઘટાડવા સંબંધી બે જાહેર હિતની અપીલોને શુક્રવારે સુનાવણી માટે લિસ્ટેડ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપના શેર્સમાં ઘટાડા પર 10 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાની જરૂર છે. કોર્ટે કેન્દ્ર સરકારને પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક તજજ્ઞ સમિતિ બનાવી રેગ્યુલેટરી તંત્રને મજબૂત કરવા માટે વિચાર કરવા માટે કહ્યું હતું.