અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલની માર્ચ-એપ્રિલમાં ટ્રાયલ રન યોજાશે

0
213

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ ચાલુ કરવા માટેની ટ્રાયલ રનનું આયોજન માર્ચ અથવા એપ્રિલમાં યોજાવાની જાહેરાત ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશને કરી છે. આ માટે બન્ને શહેરો વચ્ચે મેટ્રો રેલની કામગીરી ફુલ સ્પીડમાં ચાલી રહી છે. અમદાવાદમાં અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી મેટ્રો રેલ ચાલી રહી છે. હવે અહીંથી આગળ ગાંધીનગરના સેક્ટર એક સુધી મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરૂ કરવાના આયોજનના ભાગરૂપે મેટ્રો રેલની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ માટે અમદાવાદ–ગાંધીનગર વચ્ચે આવતી નર્મદાની મુખ્ય કૅનલ પર એકસ્ટ્રા ડોઝ્ડ કેબલ સ્ટેડ બ્રિજની કામગીરી આખરી તબક્કામાં છે. આ બ્રિજમાં ૧૪૫ મીટર લંબાઈનું સેન્ટ્રલ સ્પાન તથા ૭૯ મીટર લંબાઈના બે અંતિમ સ્પાનમાં કુલ ૧૦૫ સેગમેન્ટ પૈકી ૧૦૦ સેગમેન્ટ લૉન્ચ થયેલા છે અને ૨૮.૧ મીટર ઊંચાઈના બે પાયલોનની કામગીરી પૂરી થઈ છે. આ બ્રિજની કામગીરી ટૂંક સમયમાં પૂરી થશે એ બાદ એના પર ટ્રૅક, થર્ડ રેલ સહિતની કામગીરી ચાલુ કરીને માર્ચ–એપ્રિલમાં ટ્રાયલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.