અલવિદા યુસુફસા’બ…!!!

0
556

અણીનો ચૂક્યો હજાર દિવસ જીવે.
આવી એક કહેવત પુષ્કળ વખત સાંભળી હતી અને એનો સાક્ષાત્કાર પણ જોવા મળ્યો દિલીપકુમારની લાઇફ પરથી. અનેક વખત તેમના ‌ઇન્તકાલની ખોટી અફવાઓ ઊડી અને દરેક વખતે તેમને ત્યાંથી ચોખવટ આવતી અને એ પછી તો તેઓ તમામ પ્રકારની ઇમર્જન્સીમાંથી બહાર પણ આવી જતા. અણી ચૂક્યો હજાર દિવસ જીવે પુરવાર થતું તેમની લાઇફ પરથી. જોકે આ વખતે, બે દિવસ પહેલાં, કોઈ જાતના અણસાર વિના, કોઈ જાતની આગોતરી તૈયારીઓ કર્યા વિના તેમનો ઇન્તકાલ થયો અને એ ઇન્તકાલની સાથે જ સન્નાટો પ્રસરી ગયો. એક યુગનો આ અંત હતો, એક સમયનો અંત હતો અને એક કાળનો આ અંત હતો.
બુધવારે સવારે જ્યારે સમાચાર મળ્યા ત્યારે આંખ સામે તો અઢળક વાતો આવી ગઈ હતી; પણ એ વાતો પછી અત્યારે, જ્યારે આ લખાય છે ત્યારે મનમાં શૂન્યાવકાશ છે. એક સમય હતો જ્યારે તેમને જોવા માટે કલાકો સુધી તેમના ઘર પર નજર રાખીને ઊભા રહેતા અને દિવસો પછી ખબર પડતી કે તેઓ શહેરમાં જ નહોતા. એક સમય હતો જ્યારે તેમની ફિલ્મો જોઈને તેમના જેવી ઍક્ટિંગ કરવાનું મન થઈ આવતું અને એવું કરતા પણ ખરા, બારી-બારણાં બંધ કરીને, જેથી કોઈ મજાક ન કરે અને દબાયેલા અવાજે, જેથી કોઈ સાંભળી ન જાય. કેવી-કેવી અદ્ભુત ફિલ્મો તેમણે આપણને આપી. ફિલ્મો આપી અને એ ફિલ્મોને યાદગાર પણ બનાવી.
આજની જે પેઢી છે, જે યંગસ્ટર્સ છે તેમને દિલીપકુમાર વિશે વધારે ખબર ન હોય એવું બની શકે; પણ એવું તો ન જ બને કે તેમણે બીજા ઍક્ટરોમાં દિલીપકુમારની ઝલક ન જોઈ હોય, તેમની ઝાંય તેમને જોવા ન મળી હોય. શાહરુખ ખાનથી માંડીને અમિતાભ બચ્ચનથી લઈને તમે નામ લો, બોલો કોઈ ઍક્ટરનું નામ જેણે દિલીપકુમારને પોતાનામાં ન ઉતાર્યા હોય. દિલીપકુમારે પ્રત્યક્ષ જેટલું અને જેવું પ્રદાન કર્યું છે એવું જ અને એટલું જ મહત્તમ પ્રદાન તેમણે પરોક્ષ રીતે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને પણ કર્યું છે એ સૌકોઈએ સ્વીકારવું પડશે. દિલીપકુમારની સૌથી મોટી વાત એ હતી કે તેમનામાંથી પ્રેરણા લેવાનું કામ માત્ર હિન્દી ફિલ્મ-ઍક્ટરોએ જ નહોતું કર્યું, પણ દેશભરની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ઍક્ટરો તેમના થકી તૈયાર થયા હતા. મોહનલાલથી માંડીને કમલ હાસન અને રજનીકાંત સુધ્ધાંમાં પણ ક્યાંક ને ક્યાંક યુસુફસા’બનો ફાળો હતો.
યુસુફસા’બ મહાન હતા એટલું જ નહીં, તેમનામાં કૅરૅક્ટરને મહાન કરવાની પણ ક્ષમતા હતી. તેમણે કરેલી એકેએક ફિલ્મ તમે જુઓ, એકેએક કૅરૅક્ટરને તમે જુઓ. તમને સમજાશે કે તેમણે કેવી મહેનત કરી અને એ મહેનતે કેવો રંગ રાખ્યો. તેમના જેવી મહેનતની ક્ષમતા આજે કોઈનામાં રહી નથી. ડેપ્થમાં જવાનું હવે ઓછું થતું જાય છે અને ડેપ્થની ચિંતા પણ કોઈ કરતું નથી. આ જ કારણ છે કે દિલીપકુમાર ક્યારેય ભુલાશે નહીં. હું કહીશ કે તેમની હયાતી એકેએક ઍક્ટર માટે છત્રછાયા સમાન હતી. દરેક વખતે માણસ ઍક્ટિવ હોય એ જરૂરી નથી હોતું. તેમની આંખોનો એક પલકારો પણ તમને રાહત આપી જતો હોય છે. યુસુફસા’બમાં એ જ થતું હતું. તેમની હયાતી એક આશ્વાસન હતું, એક સધિયારો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here