અવધના માહોલમાં ગાંધીનગર નવરાત કેસરિયા ગરબે ઘૂમશે..!!

0
155

સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી કેતન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલની પ્રેરણાથી વિવિધ સેવાકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક, આરોગ્યલક્ષી, પર્યાવરણલક્ષી તેમજ રમતગમત સહિતની પ્રવૃતિઓના આયોજનના ધ્યેય સાથે “સહાય ફાઉન્ડેશન”ની સ્થાપના કરવામાં આવી છે જે અંતર્ગત દર વર્ષે સમયાંતરે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જે તહેવાર પ્રત્યેક ગુજરાતી અપાર શ્રદ્ધા, આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવે છે એવા જગતજનની માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો તા.૧૫ ઓક્ટોબરથી પ્રારંભ થઇ રહ્યો છે. વર્ષોથી ગાંધીનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન થતું આવ્યું છે. સહાય ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે વિશિષ્ટ આકર્ષણો અને સુનિયોજિત વ્યવસ્થા સાથે ગાંધીનગરમાં અત્યાર સુધીના સૌથી વિશાળ અને ભવ્ય આયોજનથી “કેસરિયા ગરબા- નવરાત ૨૦૨૩” ગરબા મહોત્સવ વિવિધ પ્રતિષ્ઠિત વ્યવસાયીઓ, ઉદ્યોગકારો તેમજ સામાજિક સંસ્થાઓના સહયોગથી રામકથા મેદાન, સે.૧૧ ખાતે યોજાશે.

તેમણે “કેસરિયા ગરબા- નવરાત ૨૦૨૩” અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અયોધ્યામાં નિર્માણાધીન ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની ૧૦૧ ફૂટ ઉંચી ઇકો ફ્રેન્ડલી પ્રતિકૃતિ પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા વાંસ અને કાપડના ઉપયોગથી તૈયાર કરાઈ છે જેની કામગીરી ૨૮ ઓગસ્ટથી શરૂ કરી દેવાઈ હતી. “કેસરિયા ગરબા- નવરાત ૨૦૨૩”ના આંગણે પધારનાર નાગરિકો માં અંબાના દર્શન ઉપરાંત રામમંદિરની પ્રતિકૃતિમાં ભગવાન શ્રી રામ, જાનકી, લક્ષ્મણ અને હનુમાનજીના દર્શનનો લ્હાવો લઈ શકશે. અયોધ્યાથી પૂજા કરીને ભગવાન શ્રી રામની પાદુકાઓ અને અંબાજીથી જ્યોત લવાશે. ૧૨,૦૦૦ ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે તેવું ડસ્ટ ક્રી મેદાન તૈયાર કરાશે તેમજ ૧૫,૦૦૦ વ્યક્તિઓ માટે બેઠક વ્યવસ્થા અને વિશાળ પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા મહોત્સવ સ્થળનો રૂ.૧૨ કરોડનો વીમો લેવામાં આવ્યો છે.

એકમ થી દશેરા સુધી નામાંકિત કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ થશે, આઠમના દિવસે ૫૧,૦૦૦ દિવડા સાથે ભવ્યાતિભવ્ય મહાઆરતી યોજાશે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમશે. ખેલૈયાઓ માટે ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત રાખવામાં આવ્યો છે. પ્રત્યેક નોરતે રાષ્ટ્રગીત બાદ ગરબાની શરૂઆત કરાશે. સાંજે ૭.૩૦ કલાકે માતાજીની આરતી શરૂ થશે અને આરતીની પૂર્ણાહુતિ સુધીમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમવા આવતી ૩૦૦ મહિલા અને ૨૦૦ પુરુષ ખેલૈયાઓને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. ગરબા મહોત્સવમાં પધારેલ નાગરિકો વિશાળ એલઈડી સ્ક્રીન પર પણ ગરબા માણી શકશે. દરરોજ વિવિધ કેટેગરીમાં વિજેતા થનાર ખેલૈયાઓને આકર્ષક પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવશે. દિવ્યાંગ, મૂકબધિર અને સ્પે. ચિલ્ડ્રન હોમના બાળકો કાર્યરત સંસ્થાઓનો સંપર્ક કરી તબક્કાવાર રીતે તેમને આમંત્રિત કરાશે. તેઓને ગરબા રમવા માટે ચોક્કસ જગ્યા ફાળવાશે. આ ઉપરાંત નજીકના વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ આમંત્રિત કરાશે અને તેઓને અગવડ ન પડે તે માટે તેમની અલગ બેઠક વ્યવસ્થાનું આયોજન કરાશે.

શ્રી કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “કેસરિયા ગરબા- નવરાત ૨૦૨૩” માં પધારેલ નાગરિકો માટે વિવિધ ખાણીપીણીના સ્ટોલ્સ સાથેનો વિશાળ ફૂડ કોર્ટ બનાવાશે જેમાં દરેક સ્ટોલમાં વિવિધ ચીજો બજાર ભાવથી જ મળશે, કોઈ પણ વસ્તુ વધારે ભાવથી વેચાશે નહી. ગરબા મહોત્સવ સ્થળ પર સ્વચ્છતાની જાળવણી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આપણી ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિની થીમ સાથેનું ઉત્તમ ડેકોરેશન ગરબા મહોત્સવ સ્થળની સુંદરતામાં વધારો કરશે. અંગદાન મહાદાનની સામાજિક ચળવળને પ્રદર્શિત કરતા તેમજ અન્ય સામાજિક સંદેશાઓ આપતા વિવિધ સેલ્ફી પોઇન્ટસનું પણ નિર્માણ કરાશે. કેસરિયા ગરબા મહોત્સવના આંગણે પધારનાર ખેલૈયાઓ તેમજ ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે હાઈ રેસોલ્યુશન સી.સી.ટી.વી કેમેરા લગાવાશે ઉપરાંત ખાનગી સિક્યોરિટી એજન્સી અને પોલીસના જવાનો ખડેપગે રહેશે. પ્રાથમિક સારવાર કેન્દ્ર કાર્યરત રહેશે તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સ્ટેન્ડબાય મોડ પર રખાશે. ગરબા મહોત્સવ પરિસરમાં કોઈ દારૂનું સેવન કરીને પ્રવેશ ન કરે તેની વિશેષ કાળજી રાખવા બ્રેથ એનેલાઇઝરનો જરૂર પડ્યે ઉપયોગ કરાશે.

શ્રી કેતન પટેલે જણાવ્યું કે, “કેસરિયા ગરબા- નવરાત ૨૦૨૩”માં પ્રત્યેક નોરતે બ્રેક ટાઈમમાં કલા અને નૃત્ય ક્ષેત્રે પારંગત અને જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે પરફોર્મ કરનાર કલાકારોને તેમની પ્રતિભા રજૂ કરવા તેમજ પ્રોત્સાહન પૂરું પાડવાના આશયથી સહાય ફાઉન્ડેશન મંચ પૂરો પાડશે. આ ઉપરાંત વિવિધ સામાજિક અગ્રણીઓ, ધાર્મિક સંતો- મહંતો, વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવશે. અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીએ “કેસરિયા ગરબા- નવરાત ૨૦૨૩” મહોત્સવ સ્થળ પાસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે જેમાં પાટનગરવાસીઓ લાંબા સમય બાદ મોટા આયોજન સાથેના રાવણ દહન કાર્યક્રમના સાક્ષી બનશે. સમગ્ર નવરાત્રી મહોત્સવનું લાઈવ પ્રસારણ સહાય ફાઉન્ડેશનના યુટ્યુબ તેમજ ફેસબુક પેજ પરથી કરવામાં આવશે.

શ્રી ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, સહાય ફાઉન્ડેશનના જીગર પટેલ તેમજ શ્રી કેતનભાઈ પટેલે સહાય ફાઉન્ડેશન વતી મીડિયાના માધ્યમથી સર્વે નગરજનોને માં અંબાની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિ નિમિત્તે પારિવારિક અને સુરક્ષિત વાતાવરણમાં મા અંબાના ગરબે ઘૂમવા તેમજ કરોડો નાગરિકોની આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિમાં ભગવાનના દર્શન માટે કેસરિયા ગરબા મહોત્સવના આંગણે પધારવા સપ્રેમ અપીલ કરી હતી.