આવો, નવા સૂર્યોદય સાથેના નૂતન પ્રભાતને પોંખીએ…!!

0
1154

વૈદિક સાહિત્યની અદ્‌ભૂત પ્રાર્થના છે. ‘તમસો મા જ્યોતિર્ગમય’ જેમાં અંધકાર
તરફથી આપણને પ્રકાશ તરફ દોરી જવા માટેની પ્રભુ સમક્ષ યાચના છે. અંધકારની
ગર્તામાંથી મુક્ત થઈ પ્રકાશ તરફ ગતિ કરવાની વિનવણી છે. કાળમીંઢ અંધારી
ઓરડીમાંથી નીકળી ઉજાસની ઓસરીમાં પગ મૂકી મનને શાંતિ અપાવવી છે. કવિ
નરસિંહરાવ દિવેટીયાએ એથી સ્તો ગાયું છે કે ‘રજની જશે ને પ્રભાત ઉજળશે નેસ સ્મિત કરશે પ્રેમાળ, પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ…’ મનમાં અજ્ઞાનનું આવરણ બાહ્ય અંધકારથી પણ વધુ ભયાનક
હોય છે. બાહ્ય ચક્ષુઓથી સૂરજનો પ્રકાશ કળાય, અંતરચક્ષુ ખૂલે તો સઘળું સત્ય સમજાઈ જાય…!! કવિ પ્રહ્‌લાદ પારેખ કહે છે કે, ‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો…’ આંતરચક્ષુ ખુલે તો અંધકારમાં ય સૌંદર્ય
દેખાય…!! દિવાળી અમાવાસ્યાની રાત્રિ છે. ગાઢ અંધકારની… પ્રકાશના પડછાયાની રાત્રિ
છે અને આ રાત્રિ વીત્યા પછી નવા સૂર્યોદય સાથેના નવા વર્ષના પ્રભાતનો પ્રારંભ થાય
છે. દિવાળી તો પ્રકાશનું પર્વ છે. જ્યોત સે જ્યોત જલાવીને ભાઈચારા સાથે સમગ્ર
વિશ્વમાં પ્રેમનો પ્રકાશ પ્રસરાવવાનું પર્વ છે. અંધકાર અને ઉજાસ તો પ્રકૃતિની કૃતિઓ
છે. ચંદ્ર અને સૂર્ય બંને અંધકાર સાથે અલગઅલગ રીતે જોડાયેલા છે… પરંતુ ઉજાસ
તો બંને પાથરે છે…!! તિમિર જાય અને જ્યોતિ પ્રકાશે…!! પ્રકાશના પર્વ દિવાળીમાં અજ્ઞાનના અંધકારના ઓગળવાની
અને જ્ઞાનની જ્યોતિ પ્રકાશવાની વાત છે. દિવાળી સૌને પ્રકાશ માણવાનો સંદેશ આપે છે.
આ મહાપર્વના દિવસોમાં રોજ ઘરઆંગણ કલાત્મક રંગોળીની સજાવટ વચ્ચે દીપમાળા પ્રકટે… માટીના કોડીયા કતારબદ્ધ ઝળહળે ત્યારે ઓથે રહીને અંધકાર પણ પ્રકાશના વૈભવી પ્રભાવને નીરખતો,
માણતો હશે…!! દિવાળીમાં પ્રગટેલી પ્રત્યેક જ્યોતમાં પોતીકી કથા હશે… વ્યથા અને વિપરીત સંજોગો વચ્ચે ય લોકો ઉલ્લાસ માણવાનું ચૂકતા નથી. અપણ પ્રકાશનો પ્રભાવ જ છે…!! કોરોનાના કપરા કાળમાં આવેલી
દિવાળીને ય ભલેને પરંતુ ુ સાદાઈથી ઉજવવાનો ઉમંગ તો સૌને છે જ… આસુરી
શક્તિરૂપ અંધકાર પર હારવું ન પાલવે… કોરોના મહામારીએ ઊભા કરેલા અવરોધ અને અંધકારને
કોસતા રહેવાને બદલે દીપ પ્રકટાવવાનો પ્રયાસ કરીઅ It is better to light a
candle than crusing the darkness. અંતર ઉઘાડીએ અને અંતરમાં અજવાળું કરીએ…
પોતાના જીવનમાં પ્રકાશ પાથરીને બીજાના જીવનને ય પ્રકાશિત કરીએ, સાચો
સૂરજ તો મનની અંદર ઉગવો જોઈએ… પછી તો
કબીર કહે છે એમ ‘અવધૂ મેરા મન મતવારા, ત્રિભુવન ભયા ઉજીયારા…’ મન અને જીવન ઝગમગ થઈ જાય…!! અંધકાર આળસમાં ધકેલી દે અને પ્રકાશ પ્રવૃત્તિમાં જોડી દે… એટલે માત્ર સ્થૂળ દીવડા પાસે
અટકીને ભટકી જવાનું નથી… ઊંચે ઊંચ પ્રકાશ પાથરી પરમને પામવાનું છે… ઊંડા
અંધારેથી પ્રભુ પરમ તેજે લઈ જાય એવી પ્રાર્થના સાથે સૌને દિવાળી… નવું વર્ષ મુબારક…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here