ઈરાન મરણિયું બન્યું, ટ્રમ્પ-નેતાન્યાહૂને લોહીલુહાણ કરી દેવાની ચીમકી

0
32

અમેરિકા-ઈઝરાયેલના અવિરત હુમલાઓથી પારાવાર નુકસાન થવા છતાં ઈરાન પીછેહઠ કરવાના મૂડમાં નથી. કટોકટીના આ સમયમાં ઈરાન મરણિયુ બન્યું છે અને ટ્રમ્પ-નેતાન્યાહૂને લોહીલુહાણ કરવાની ચીમકી આપી છે. યુદ્ધ જહાજને નષ્ટ કરવાની ભારે કિંમત અમેરિકાએ ચૂકવવી પડશે તેવી ચીમકી આપવાની સાથે ઈરાને વધારે આક્રમક હુમલા કર્યા છે. સમરાંગણના છઠ્ઠા દિવસે ઈરાને અઝરબૈઝાન પર ડ્રોન હુમલા કરતાં યુદ્ધની આગ વધારે વિકરાળ બની છે તથા 14 અન્ય દેશો પણ તેની ઝપટમાં આવ્યા છે.

સર્વોચ્ચ નેતા ખામેનેઈના મોત બાદ ઈરાન નરમ પડશે તેવી માન્યતા સાથે યુએસ-ઈઝરાયેલની સેનાએ દરેક વ્યૂહાત્મક મોરચે હુમલા કર્યા છે. સૈન્ય મથકો, નેતાઓની બેઠક, અણુમથકોમાં તબાહી ફેલાવવામાં યુએસ-ઈઝરાયેલે કોઈ કસર રાખી નથી. શ્રીલંકાના દરિયા ઈરાનના યુદ્ધ જહાજ પર ટોરપિડો ઝીંકી તેને યુએસ સૈન્ય દ્વારા નષ્ટ કરી દેવાયુ હતું, જેમાં 87થી વધુ મોત થયાનો અંદાજ છે. અમેરિકાને આ હુમલા માટે પસ્તાવો થાય તેવો પાઠ ભણાવવાની ચીમકી ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘાચીએ આપી છે. આ યુદ્ધમાં ઈરાનમાં 1230, લેબનોનમાં 70 અને ઈઝરાયેલમાં 12થી વધુ મોત થયા છે, જ્યારે 6 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. ઈઝરાયેલનું સૈન્ય લેબનોનમાં ઘૂસી ગયું છે અને જમીની લડાઈ ચાલી રહી છે. ઈરાને અઝરબૈઝાન પર ડ્રોન હુમલા કરી નિર્દોષ નાગરિકોને રંજાડ્યા હોવાનો આક્ષેપ અઝરબૈઝાને કર્યો છે.

પ્રમુખ ઈલ્હામ અલિયેવે ઈરાના આ કૃત્યને આતંકવાદી ગણાવી વળતા હુમલાની ચીમકી આપી છે. જ્યારે ઈરાને આક્ષેપોને નકારી કાઢ્યા છે. યુએસ સૈન્યને સમર્થન આપી રહેલા પડોશી ખાડી દેશો પ્રત્યે પણ ઈરાને કોઈ રહેમ રાખી નથી. ઈરાને ક્રૂડના ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થામાં ખલેલ ઊભી કરવાની સાથે વૈશ્વિક હવાઈ મુસાફરીને પણ પ્રભાવિત કરી છે. હોર્મુઝની ખાડીમાં અનેક જહાજો પર હુમલા બાદ ઈરાને કુવૈત નજીક વેપારી જહાજ પર હુમલો કર્યો હતો.

ઈઝરાયેલ ઉપરાંત અબુ ધાબીમાં યુએસ છાવણીઓ પર હુમલા

ઈઝરાયેલના મહત્ત્વના શહેર તેલ અવીવ અને જેરુસલેમ ઉપરાંત અન્ય ખાડી દેશોમાં ઈરાને હુમલા ચાલુ રાખ્યા હોવાથી સતત સાયરનો સંભળાતી હતી. અબુ ધાબીમાં યુએસની છાવણીઓ પર ઈરાને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં છ યુએસ સૈનિકો ઘાયલ થયા હતા. કતારે દોહા ખાતે યુએસ દૂતાવાસ આસપાસનો વિસ્તાર ખાલી કરવા સ્થાનિકોને તાકિદ કરી છે. સાઉદી અરેબિયાએ જોર્ડનની સરહદે એક ડ્રોન નષ્ટ કર્યુ હતું.

ઈઝરાયેલે બૈરુતના રહીશોને ઘર ખાલી કરવા ચેતવ્યા

આતંકવાદી જૂથ હિઝબુલ્લાહનો સફાયો કરવા ઈઝરાયેલી સેના લેબનોનમાં ઘૂસી ગઈ છે અને હવાઈ હુમલા પણ ચાલુ રાખ્યા છે. બૈરુતમાં હિઝબુલ્લાહની છાવણીઓ વ્યાપક હુમલાનો સંકેત આપતાં ઈઝરાયેલે સ્થાનિકોને ઘર ખાલી કરવા સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપી છે. ઈઝરાયેલે 24 કલાકમાં લેબનોનમાં 80 સ્થળે હુમલા કર્યા છે અને આતંકવાદી જૂથની કમર તોડી નાખી હોવાનો દાવો કર્યો છે.

ભારતીય એરલાઈન્સે 281 ફ્લાઈટ રદ કરી

ભારતીય એરલાઈન્સે ગુરુવારે 281 ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પ્રવાસીઓને ફ્લાઈટ સ્ટેટસ નિયમિત ચકાસવા અને રજિસ્ટર્ડ કોન્ટેક્ટ ડીટેલ અપડેટ કરવા સૂચના આપી છે. એરસેવા, હેલ્પલાઈન કોલ તથા સોશિયલ મીડિયા પર ઈન્ટરનેશનલ મુસાફરોની 1,461 ફરિયાદો મળી હતી.