ઉ.પ્રદેશ ભાજપમાં અસંતોષના અહેવાલો વચ્ચે યોગી પીએમ મોદીને મળશે

0
549

ઉત્તર પ્રદેશ ભાજપમાં સ્થાનિક નેતાઓમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અંગે અસંતોષ વચ્ચે યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે તંગદિલી સર્જાઈ હોવાના અહેવાલો છે. આવા સમયમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણિતા બ્રાહ્મણ પરિવારના કોંગ્રેસી નેતા જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયાના બીજા દિવસે યોગી આદિત્યનાથ બે દિવસની મુલાકાતે દિલ્હી આવી પહોંચ્યા છે. યોગી આદિત્યનાથે ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી જ્યારે તેઓ શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને બપોરે પક્ષપ્રમુખ જેપી નડ્ડાને મળશે તેવી સંભાવનાઓ છે.

ઉત્તર પ્રદેશ ભાજપમાં અનેક નેતાઓમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ અસંતોષ હોવાના સમાચારો આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીનો સામનો કરવામાં યોગી આદિત્યનાથે યોગ્ય કામગીરી નહીં કરી હોવાની આ નેતાઓની ફરિયાદ છે. વધુમાં મોદીની નજીકના ગુજરાત કેડરના ભૂતપૂર્વ અધિકારી એકે શર્માના ઉત્તર પ્રદેશના રાજકારણમાં પ્રવેશથી રાજ્યમાં બ્રાહ્મણોનું પ્રભુત્વ વધશે તેવા અહેવાલો વચ્ચે યોગી આદિત્યનાથની અમિત શાહ સાથેની મુલાકાત ઘણી જ મહત્વની છે.

યોગી આદિત્યનાથી દિલ્હી મુલાકાતનું એક વિશેષ કારણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અગ્રણી નેતા જિતિન પ્રસાદ હોવાનું પણ કહેવાય છે. જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મોટો બ્રાહ્મણ ચહેરો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપને રીસેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. રાજ્યમાં બ્રાહ્મણોનું એક જૂથ યોગી સરકારને ઠાકુર તરફી માને છે. એવામાં ભાજપ બ્રાહ્મણ ચહેરા પર ભાર મૂકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

વડાપ્રધાન મોદીના નજીકના માનવામાં આવતા ભૂતપૂર્વ અમલદાર એ. કે. શર્મા ઉત્તર પ્રદેશ આવ્યા હતા. એકે શર્માના ભાજપ પ્રવેશ અને તેમને ઉત્તર પ્રદેશ મોકલાયાના લગભગ છ મહિના થવા છતાં તેમને રાજ્યમાં કોઈ મોટી ભૂમિકા સોંપાઈ ન હોવાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચે તંગદિલીના અહેવાલોને બળ મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here