આ સમયે દેશભરમાં હવામાનની વિવિધતા જોવા મળી રહી છે. એક તરફ ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ જોવા મળી રહ્યો છે.હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તર ભારતનું હવામાન સંપૂર્ણપણે બદલાઈ જશે. એવી અપેક્ષા છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેશના હિમાલય વિસ્તારમાં 12 માર્ચથી જોવા મળી શકે છે.છેલ્લા 24 કલાકમાં જમ્મુ ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ જોવા મળ્યો છે. આ સાથે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ અને કેરળમાં પણ ભારે વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત છે.રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં 10 અને 12 માર્ચ દરમિયાન, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં 11 અને 12 માર્ચે, વિદર્ભમાં 11 અને 13 માર્ચે અને ઓડિશામાં 13 અને 14 માર્ચે ગરમીની સ્થિતિ જોવા મળી શકે છે.