કોર્પોરેશનનું નવા વર્ષનું આજે ડ્રાફ્ટ બજેટઃપ૦૦ કરોડનું રહેવાનો અંદાજ

0
375

ગાંધીનગર મહાનગરપાલિકામાં આવતીકાલે મ્યુનિ.કમિશનર દ્વારા નવા નાણાંકીય વર્ષ ર૦૨૨-ર૩નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવનાર છે. આ બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા જરૃરી સુધારા વધારા કરીને તેને મંજુરી માટે સામાન્યસભામાં મોકલવામાં આવશે. ડ્રાફ્ટ બજેટ અંદાજે પ૦૦ કરોડની આસપાસ રહેશે તેવી શકયતા જોવાઈ રહી છે. ગાંધીનગરમાં સમાવિષ્ટ નવા વિસ્તારના કામોને પણ બજેટમાં સમાવી લેવામાં આવશે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં નવી ટર્મનું પ્રથમ બજેટ આવી ગયું છે. મ્યુનિ. કમિશનર ધવલ પટેલ દ્વારા વર્ષ ર૦૨૨-૨૩નુ ડ્રાફટ બજેટ તૈયાર કરી દેવામાં આવ્યું છે જે આવતીકાલે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં રજુ કરવામાં આવશે. કમિશનર અને નવી ચૂંટાયેલી પાંખ માટે આ પ્રથમ બજેટ હોવાથી ગાંધીનગરના વિકાસ માટે નવી યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. ગાંધીનગરનું વિસ્તરણ થઈને પેથાપુર પાલિકા અને આસપાસના ૧૮ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આ વિસ્તારોની સુખાકારી માટે પણ વિવિધ વિકાસ યોજનાઓ અમલમાં મુકવામાં આવશે તેમ લાગી રહયું છે. નવા વિસ્તારના મિલકત વેરાની આવકને ધ્યાને રાખી આ વખતનું ડ્રાફ્ટ બજેટ પ૦૦ કરોડની આસપાસ રહેવાનો અંદાજ છે. ગત વર્ષે ૩૬૧ કરોડનું બજેટ રહયું હતું. મ્યુનિ. કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજુ કરાયા બાદ સ્થાયી સમિતિ દ્વારા એક અઠવાડીયા સુધી તેઓ અભ્યાસ કરીને તેમાં જરૃરી સુધારા વધારા સુચવવામાં આવશે અને ત્યારબાદ સામાન્ય સભામાં આ બજેટને મંજુરી અર્થે મોકલવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોર્પોરેશન દ્વારા બજેટમાં કોઈ નવા કરવેરા નહીં ઝીંકાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here