કેન્સર અને શ્વાસની બિમારીને લીધે ફેફસામાં લોહીની નળીઓમાં ગાંઠોનું પ્રમાણ ચાર ગણું થઇ જવાથી આજરોજ અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન 53 વર્ષના મહિલાનું મોત નિપજતા જિલ્લામાં કોરોનાથી મોતનો આંક બે થયો છે. જ્યારે કોરોનાની બિમારીને હરાવવામાં દસ દર્દી સફળ થયા છે. કોલવડામાં રહેતા 53 વર્ષીય નયનાબહેનની તબિયત લથડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ મહિલાને ચાંદખેડાની એસ.એમ.એસ. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં મહિલાની બિમારીના લક્ષણો કોરોના જેવા લાગતા અમદાવાદની હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જ્યાં મહિલાનો કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર હાથ ધરી હતી. મહિલાને શ્વાસની બિમારી હોવાથી ફેફસા નબળા પડી જવાથી લોહીની નસોમાં ગાંઠોનું પ્રમાણ ચાર ગણું વધી જવાથી મોત નિપજ્યું હોવાનું તબીબોએ જણાવ્યું છે.