ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શનને પણ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આવરી લેવાયા

0
227

એક નવી નિયમનકારી હિલચાલ કરીને સરકાર સંખ્યાબંધ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDA) ટ્રાન્ઝેક્શન મની લોન્ડરિંગ નિવારણ ધારાના દાયરા હેઠળ લાવી છે. આમ મની લોન્ડરિંગ જોગવાઈઓ હવે ભારતના ક્રિપ્ટોકરન્સી સેક્ટર પર પણ લાગુ થશે. ક્રિપ્ટો ડીલરો, એક્સચેન્જો અને ઇન્ટરમેડિયરીઝે હવે બેન્કોની જેમ તેમના ક્લાયન્ટ અને યુઝર્સનું કેવાયસી કરવું પડશે અને રેકોર્ડ રાખવા પડશે. આ ઉપરાંત બેન્કોની જેમ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની સત્તાવાળાને જાણ કરવી પડશે.

નાણા મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું છે કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ અને સામાન્ય ચલણ વચ્ચેના એક્સ્ચેન્જ, એક કે વધુ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટનું એકબીજામાં એક્સ્ચેન્જ તથા વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના ટ્રાન્સફર હવે મની લોન્ડરિંગ ધારા હેઠળ આવશે.  નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આવકવેરા ધારા, 1961 (1961નો 43)ની કલમ 2ની કલમ (47A)માં જે વ્યાખ્યા કરવામાં આવી છે તે ‘વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ’ને પણ લાગી પડશે.

આ અંગે સ્પષ્ટતા કરતાં બિઝનેસ કન્સલ્ટિંગ ફર્મ કેપડેક એડવાઈઝર્સના સીઈઓ મોહનીશ વાધવાએ જણાવ્યું હતું કે આ નવા કાયદા મુજબ વર્ચ્યુઅલ ડિજિટલ એકમોને હવે રિપોર્ટિંગ એન્ટિટી ગણવામાં આવશે. આનો અર્થ એવો થાય છે કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના એક્સ્ચેન્જ, કસ્ટોડિયન કે એડમિનિસ્ટ્રેટર્સએ હવે બેન્કોની જેમ મની લોન્ડરિંગ કાયદાનું પાલન કરવાનું રહેશે તથા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને સત્તાવાળાને માહિતી આપવાની રહેશે. વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ ક્ષેત્ર માટે ભારતમાં હાલમાં કોઇ નિયમનો નથી.