ગાંધીનગર ખાતે સેકટર-૧૧માં આયોજિત 36 GNPL નાઇટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટની રોમાંચક મેચને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નિહાળી

0
268

ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા આયોજિત 36 GNPL નાઇટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટની રોમાંચક મેચને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે નિહાળી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગ્રાઉન્ડની ફરતે ઉભા રહેલા ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓનું અને નગરજનોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા સેકટર- ૧૧, રામકથા મેદાન ખાતે ૩૬ ગાંધીનગર નોર્થ પ્રીમિયમ લીગ નાઇટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો આરંભ તા.૦૨ મે, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યો હતો. ક્રિકેટ અને વોલીબોલની નાઇટ ટુર્નામેન્ટમાં કુલ- ૧૮૮ ટીમોએ ભાગ લીઘો છે. જેમાં ક્રિકેટની રમતમાં ભાઇઓની- ૧૩૬ અને બહેનોની ૧૮ મળી કુલ- ૧૫૪ ટીમો સહભાગી બની છે. તેમજ વોલીબોલની રમતમાં ભાઇઓની ૨૮ અને બહેનોની ૬ મળી કુલ- ૩૪ ટીમો સહભાગી બની છે. આમ ક્રિકેટ અને વોલીબોલની ટુર્નામેન્ટમાં કુલ- ૨૪૬૨ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
કાર્યક્રમના આરંભે ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઇ શાહનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા,માણસાના ઘારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, સાબરમતીના ઘારાસભ્ય શ્રી હર્ષદ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી રૂચિર ભટ્ટ,પૂર્વ ગૃહ રાજય મંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પૂર્વ ઘારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ, સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.