ગાંધીનગર જિલ્લામાં ૧૬મી જૂનથી ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી

0
209

બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઇ શકે તેવી શક્યતાને પગલે જિલ્લામાં આગામી ૧૬મી જૂનથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે શહેર જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડ પણ મુકાઇ ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને તેમના વિસ્તારમાં તકેદારી રાખવા માટે તાકિદ કરવામાં આવી છે અને હેડક્વાટર નહીં છોડવા માટે પણ સુચના અપાઇ છે. એટલુ જ નહીં, જિલ્લાના તમામ ફાયરબ્રિગેડ તથા વનવિભાગની ટીમને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે.

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બિપોરજોય નામનું વાવાઝોડું ત્રાટકી શકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ વાવાઝોડાને પગલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સાથે તોફાની પવનો ફુંકાવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે ગાંધીનગરનું જિલ્લા તંત્ર પણ હાલ તો એલર્ટ મોડ ઉપર મુકાઇ ગયું છે. વાવાઝોડાને કારણે માર્ગો ઉપર વૃક્ષો પડવાની શક્યતાને ધ્યાને રાખીને વનવિભાગને પેટ્રોલીંગ કરીને જોખમી વૃક્ષો દૂર કરવા તાદિક કરવામાં આવી છે તો ચારેય તાલુકા મથકોએ અધિકારીઓને એલર્ટ કરીને તેમના વિસ્તારમાં પળે પળની વિગતો મેળવવા સુચના આપવામાં આવી છે. ખાસ કરીને ગ્રામ્યવિસ્તારમાં પતરાના મકાનો હોય છે અને ભારે પવનને કારણે તેના ઉડવાથી નુકશાન થતુ હોય છે જેના પગલે ગ્રામ્યકક્ષાએ પણ સરપંચો અને તલાટીઓને સવાચેતીના પગલા ભરવા સુચના આપવામાં આવી છે. જિલ્લામાંથી પસાર થતા નેશનલ અને રાજ્ય માર્ગો ઉપર મોટા હોર્ડિંગ દૂર કરવા પણ તાકિદ કરવામાં આવી છે. આ ઉપરાંત આપાત મિત્રોનું લીસ્ટ તૈયાર રાખવા પણ જણાવવામા આવ્યું છે. તો તા.૧૫ અને તા.૧૬મીએ ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે અધિકારી-કર્મચારીઓને હેડક્વાટર નહીં છોડવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે.