ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કરદાતાઓને મોટી રાહત

0
456

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાના બાકીદારો સામે કડકાઇથી પગલાં લઇને વસૂલાત કરવાને બદલે નાગરિકલક્ષી અભિગમ અપનાવીને પ્રોત્સાહક વ્યાજ માફી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી વેરો ન ભરનાર મિલકતધારકો બાકી રકમની ભરપાઇ કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા વ્યાજ માફ કરવામાં આવશે.

રહેણાંક મિલકતોના કિસ્સામાં 100 ટકા વ્યાજ માફીનો લાભ અપાશે જ્યારે કોમર્શિયલ- ઔદ્યોગિક મિલકતોમાં 50 ટકા વ્યાજ માફ કરવામાં આવશે. આ યોજના 1લી માર્ચથી અમલી બનશે અને 31મી માર્ચ સુધીમાં બાકી મિલકત વેરો ભરનાર નાગરિકોને વ્યાજ માફીનો લાભ આપવામાં આવશે.

મહાનગરપાલિકાના ચોપડે 80 હજાર જેટલા મિલકતધારકો એવા છે કે જેમણે ઘણા સમયથી વેરો ભરપાઇ કર્યો નથી. કેટલાક મિલકતધારકોએ વર્ષ 2011-12 એટલે કે મહાનગરપાલિકાની સ્થાપના બાદ પ્રથમવાર આકારણી કરવામાં આવી ત્યારથી વેરો ભરપાઇ કર્યો નથી. એટલે કે એક વર્ષથી લઇને 15 વર્ષ સુધીના બાકીદારો પાસેથી અંદાજે 100 કરોડ રૂપિયાની વેરા વસૂલાત બાકી છે.

કુલ બાકી રકમમાં 33 કરોડ જેટલી રકમ વ્યાજ પેટે વસૂલવાની થાય છે જે માફ કર્યા બાદ જો તમામ નાગરિકો બાકી મૂળ વેરો ભરપાઇ કરશે તો મહાનગરપાલિકાને 66 કરોડની આવક થઇ શકે છે. નાગરિકો બાકી વેરો ભરવા માટે પ્રોત્સાહિત થાય અને કડક પગલાં લેવા ન પડે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ અને અન્ય મહાનગરપાલિકાની જેમ વ્યાજ માફી યોજના લાગુ કરવામાં આવી છે.