ગાંધીનગરના આંગણે વસંત ઉત્સવનો આરંભ

0
260

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ પર વસંતોત્સવની ઉજવણી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગુજરાત સરકાર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને પશ્ચિમ કલા કેન્દ્ર ઉદયપુરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે કરવામાં આવી રહી છે. વસંતોત્સવનો શુભારંભ સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાઈ હતી. ગાંધીનગર ખાતે આજથી તા. ૨૩મી ફેબ્રુઆરી સુધી વસંતોત્સવ યોજાશે
આ સાંસ્કૃતિક પર્વ વસંતોત્સવના આગમનની ગાંધીનગરવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. વર્ષોથી ચાલ્યા આવતા ઉત્સવને માણવા હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે. સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ દરરોજ સાંજે 7:00 થી રાત્રીના 10 વાગ્યા સુધી સંસ્કૃતિ કુંજ, સરિતા ઉદ્યાન પાસે, ‘જ’ રોડ, ગાંધીનગર ખાતે થશે. જેમાં રાજસ્થાન, પંજાબ, અસમ,ઓરિસ્સા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા અલગ અલગ જાણીતા પ્રાદેશિક નૃત્ય – કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવશે. ઉપરાંત ગુજરાતના ખ્યાતના કલાકારો અને વૃંદો દ્વારા ગણેશ વંદના, રાજ્યના વિવિધ પ્રસિદ્ધ ગ્રુપ દ્વારા પારંપરિક નૃત્ય કૃતિઓની પ્રસ્તુતિ, પ્રાચીન અર્વાચીન ગરબા અને રાસની પ્રસ્તુતિ, તુરી બારોટ સમાજના મંડળો દ્વારા વિવિધ વિસરાતા લોકનૃત્યોની પ્રસ્તુતિ, ગુજરાતના લોકકલારત્ન દ્વારા લોક સંગીત અને સાહિત્યની મોજને પણ વસંતોત્સવ દરમિયાન માણવાનો લ્હાવો મળશે.આ ઉપરાંત સંસ્કૃતિકુંજ ખાતે ઉભા કરાયેલા સ્ટોલમાં કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ બપોરે 02 થી રાત્રે 10 કલાક સુધી ખુલ્લા રહેશે જેનો નગરજનો લાભ લઈ શકશે.