ગાંધીનગરના દરેક ઘરે પાણી પહોંચે તે પહેલાં માર્ગો જળબંબાકાર થયા

0
40

ગાંધીનગર શહેરના દરેક ઘરે પાણી પહોંચે તે પહેલાં જ શનિવારે રસ્તા જળબંબાકાર થઈ ગયા હતા. મીટરથી પાણી આપવાની નવી પાઈપલાઈનનું ટેસ્ટિંગ કરતી વખતે ભંગાણ સર્જાતાં સેકટર-14 થી સેકટર-15 તરફ જતા માર્ગો પાણીથી તરબોળ થઇ ગયા હતા.

ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા, ગટર તેમજ ૨૪ કલાક ઘરે ઘરે પાણી પહોંચતું કરવાની કામગીરી છેલ્લા ત્રણેક વર્ષથી ચાલી રહી છે. ઘરે ઘરે મીટરથી પાણી પુરવઠા માટે નવી પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવા ઠેર ઠેર આડેધડ ખાડા ખોદી કાઢ્યા પછી માટીના યોગ્ય પુરાણના અભાવે ચોમાસામાં વિકટ સ્થિતિનું નિર્માણ થયું હતું.

શનિવારે સેકટર-14 થી સેકટર-15 તરફ જતા રોડ પર બિછાવવામાં આવેલી નવી પાઈપ લાઈનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ હતું ત્યારે અચાનક નવી પાઈપલાઈનમા ભંગાણ સર્જાતાં હજારો લીટર પાણી ખ-રોડ ઉપર ફરી વળતાં આખો વિસ્તાર વિના વરસાદે જળબંબાકાર થઈ ગયો હતો. જેના લીધે અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

ભંગાણ સર્જાતા પાઈપલાઈનની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉભા થયા છે. પાટનગર યોજના વિભાગના સંબંધિત એન્જિનિયર મનિષ પંડયાએ જણાવ્યું હતું કે, પાણીની લાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. અત્રેની જગ્યાએ N જોઈન્ટ શોધવાનો હતો. તે માટે ટેસ્ટીંગ કરાયું હતું. એ વખતે પાઈપલાઈનમાં લીકેજ મળી આવ્યું હતું. જેને અડધો કલાકની અંદર બંધ કરી દેવાયું હતું. આવતીકાલે તેનું સમારકામ કરવામાં આવશે.