ગાંધીનગરમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે તોફાની પવનોએ શહેરમાં અફરાતફરી મચાવી દીધી હતી. પવનના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી. વાહનચાલકો, ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં તિરંગા કલરના મંડપો ઊભા કરવામાં આવ્યા હતા. ભારે પવનના કારણે આ મંડપો ધરાશાયી થયા હતા. વડાપ્રધાનના સ્વાગત માટે લગાવવામાં આવેલા બોર્ડ અને હોર્ડિંગ્સ પણ ફાટી ગયા હતા.
વીસેક મિનિટ સુધી ધૂળની ડમરીઓએ શહેરને ઘેરી લીધું હતું. ત્યારબાદ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી છાંટા પડ્યા હતા. વાવોલ અન્ડરપાસ પાસે એક વૃક્ષ બુલેટ ચાલક પર પડી ગયું હતું. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વૃક્ષને દૂર કર્યું હતું. ઘાયલ બુલેટ ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.