ગાંધીનગરમાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો….

0
135

ચોમાસા દરમ્યાન વાહકજન્ય બિમારીના કેસ વધતા હોય છે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બિમારીથી બચવા માટે ચોમાસુ શરૃ થાય તે પહેલાથી જ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા મહેનત શરૃ કરી દેવામાં આવી હતી પરંતુ વસાહતીઓની નિષ્કાળજી તથા બાંધકામ સાઇટ્સની બેદરકારીને કારણે મચ્છરજન્ય બિમારીઓ સતત વધતી જ જાય છે તેમાં પણ ખાસ કરીને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ કુડાસણ, સરગાસણ, વાવોલ તથા સેક્ટર-૬,સે-૭ અને સે-૧૨ તથા સે-૧૩માં દર્દીઓ વધી રહ્યા છે. અગાઉના અનુભવોને ધ્યાનમાં રાખીને આ સંવેદનશીલ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હાલ ચાલી રહેલા વરસાદી વાતાવરણ તથા બાંધકામ સાઇટ્સને કારણે આ વિસ્તારમાં મચ્છરોના પોરા અને મચ્છરોનો ઉપદ્રવ ખાસ જોવા મળી રહ્યો છે એટલુ જ નહીં, આ વિસ્તારોમાંથી ડેન્ગ્યુના કેસ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે વારંવાર નોટિસ અને દંડ ફટકારવા છતા પણ નહીં સુધરતી બાંધકામ સાઇટ્સના સંચાલકો સામે વધુ આકરા પગલા ભરવાનું પણ તંત્ર વિચારી રહ્યું છે. કોર્પોરેશન દાખલો બેસાડવા માટે વધુ બેદરકાર હશે તેવી બાંધકામ સાઇટ્સની વિકાસ પરવાનગી રદ કરવાના મુડમાં પણ છે.