ગાંધીનગરમાં વનકવચ થીમ પર વિશ્વ્ પર્યાવરણ દિવસ ઉજવાશે 

0
224

પૃથ્વી પરના વન એ પૃથ્વીનું સાચું ધન છે. વધતા પ્રદુષણ અને મોસમી ફેરફારો વચ્ચે આજે પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે. માનવ જીવનના અસ્તિત્વ માટે આ પ્રદૂષણને અટકાવવા મનોમંથન જરૂરી બની ગયું છે. પર્યાવરણના વૈશ્વિક પડકારોને નાથવા વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘મિશન લાઈફ’ અને ગ્રીન ગ્રોથના કન્સેપ્ટ સાથે પર્યાવરણની રક્ષા માટે જનશક્તિને જોડવાનું અભિયાન ઉપાડ્યું છે. પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી ગુજરાતને હરિયાળું બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વનકવચની થીમ સાથે વૃક્ષારોપણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના વન કવચના અભિયાનને કારણે કોલવડાવાસીઓ આનંદમાં છે, એનું કારણ એ છે કે હવે તેમને ડમ્પીંગ સાઇટની દુર્ગંધમાંથી મુક્તિ મળવાની છે અને આ વિસ્તાર 50 હજાર વૃક્ષોથી લહેરાતો થવાનો છે. વાત જાણે એમ છે કે, છેલ્લા ઘણા સમયથી કોલવડા ડમ્પિંગ સાઇટ ખાતે કચરો ઠલવાતો હતો. આ વિસ્તારમાં કચરાનો મોટો ઢગ સર્જાયો હતો. આ ડમ્પિંગ સાઇટને લીધે કોલવડા ગામના લોકો અને ગામ તરફ જતા રાહદારીઓને દુર્ગંધ અને દૂષિત વાતાવરણને લીધે ઘણું વેઠવું પડતું હતું. ગાંધીનગર જિલ્લા વન વિભાગ દ્વારા આ પ્રદૂષણને નાથવાના સંકલ્પ સાથે આ વિસ્તારને વન કવચ અંતર્ગત આવરી લઈને ડમ્પિંગ સાઇટને હરિયાળા વિસ્તારમાં પરિવર્તિત કરવાનો નિર્ધાર કરાયો છે. જેમાં પાંચ હેક્ટર વિસ્તારની આ ડમ્પિંગ સાઇટને સમતળ કરીને ત્યાં ઉચ્ચ, મધ્યમ અને નાના એમ ત્રણ સ્તરીય વૃક્ષોનું વાવેતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ડમ્પીંગ સાઇટના સ્થાને આકાર લઇ રહેલાં આ વનમાં ઉચ્ચ કક્ષાના વૃક્ષોમાં વડ, પીપળ, સાદડ, આમળા, બહેડા, આંબા, આમલી, જાંબુ, ઉમરા, મહુડા, કણઝી, ખાખરા, લીમડા, રાયણ, કરંજ, સેવન વગેરેનું તો મધ્યમ કક્ષાના વૃક્ષોમાં ગરમાળા, વાંસ, સરગવા, બિલી, લીંબુ, ગેલેસરિયા, ટબુબિયા, ગુલમહોર, બોરસલી, બદામ, મિલેટિયા, પુત્રજીવાનું તેમજ નાના વૃક્ષોમાં કચનાર, સીતાફળ, સિંદુર, જામફળ, કાંઠી, શેતૂર, દાડમ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ સિવાય અહિયાં પારિજાત, અરડૂસી, નગોળ, કુંવારપાઠુ, શતાવરી જેવા આયુર્વેદિક વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવશે. આ વનકવચ વિસ્તારમાં લોકોને ચાલવા માટે સુંદર મજાનો પબ્લિક વોક પથ, આરામથી બેસવા માટે બેન્ચ તેમજ વન કુટીરની વ્યવસ્થા કરવામાં આવશે. વન વિભાગના આ પ્રયાસથી શહેરની જનતા માટે આ વન વિસ્તાર ઓક્સિજનનો સોર્સ બનીને ઊભરી આવશે.
ગાંધીનગર જિલ્લાના વન સંરક્ષકશ્રી ચંદ્રેશ શામાદ્રે કોલવડા ડમ્પિંગ સાઇટ પરના વન કવચ પ્રોજેક્ટ વિશે જણાવતા કહે છે કે વન કવચ એ મિયાવાકી પદ્ધતિનું જ રૂપાંતરિત સ્વરૂપ છે. જેમાં ઓછામાં ઓછા એક ચોરસમીટરમાં એક વૃક્ષનું વાવેતર કરવામાં આવે છે. વન કવચમાં મોટા વૃક્ષોને ચાર મીટરના અંતરે, મધ્યમ કક્ષાના વૃક્ષોને બે મીટરના અંતરે તેમજ નાના વૃક્ષોને એક મીટરના અંતરે વાવવામાં આવશે. આમાં દરેક વૃક્ષ વચ્ચે ૧ મીટરનું અંતર જળવાઈ રહે છે. તેમણે આપેલી માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં ૧૦ હેકટર જેટલી જમીનમાં વનકવચ આધારિત કુલ પાંચ વન તૈયાર કરાશે. કોલવડા ડમ્પિંગ સાઇટ પરના રાઉન્ડ ફોરેસ્ટર શ્રી નિલેશ ચૌધરી આ અંગે વધુ માહિતી આપતા જણાવે છે કે ગાંધીનગરની જૂની ડમ્પિંગ સાઇટ પરના કચરાને દૂર કરી તેમજ જમીનને સમથળ કરીને ૫૦૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે. આ વન કવચ ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવામાં મદદ કરશે.
કોલવડા ગામની વર્ષો જૂની ડમ્પિંગ સાઇટ દૂર થતાં તેમજ ગામમાં નવું વન બનશે તે જાણીને ગ્રામજનો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. કોલવડાના રહેવાસી દિપકસિંહ વાઘેલા જણાવે છે કે જૂની ડમ્પિંગ સાઇટને દૂર કરીને વન ઊભું કરવું એ ગામના ઉજ્જવળ ભવિષ્ય માટેનું મહત્વનું પગલું છે. ગામની બાજુમાં જ વનરાજી ઊભી થતાં ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા પગલું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ડમ્પિંગ સાઇટ ઉપરના કચરાને ૮ થી ૧૦ ફૂટ ઊંડા ખાડા ગાળીને દાટી દેવામાં આવે છે એટલે અહીંયા કચરાના નિકાલની સમસ્યાનો આપોઆપ હલ થઈ જાય છે.
વનકવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવાના ઉદેશ્ય સાથે ઝડપથી આકાર લેતું નાનું વન બનાવવાની પદ્ધતિ છે. એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ઠ વાવેતર કરી શરૂઆતના ર વર્ષ નિયમિત તેની સંભાળ લઈ આ વનને પરિપક્વ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તે કોઈપણ કાળજી વગર આપમેળે વિકાસ પામે છે. ગુજરાત વનવિભાગ દ્વારા જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી વિશ્વ પર્યાવરણ દિવસ પર વનકવચ ઊભા કરવામાં આવશે. વનકવચ અંતર્ગત વનો વિકસાવવા માટે એવો વિસ્તાર પસંદ કરવામાં આવે છે જ્યાં જમીનમાં કોઈ પણ પ્રકારનો ઘન કે પ્રવાહી કચરો કે નકામા ઝાડી ઝાખરા ન હોય તથા વાવેતર લાયક સમતળ જમીન હોય જ્યાં દિવસમાં 8 થી 9 કલાક સુર્યપ્રકાશ મળી રહેતો હોય.
વનકવચ પદ્ધતિથી તૈયાર કરેલા વનો 30 ગણા ગાઢ તથા 10 ગણા ઝડપથી વિકસે છે. આ પ્રકારના વનો પ્રદુષણને અટકાવે છે તથા વાતાવરણને શુદ્ધ બનાવે છે. આ પદ્ધતિમાં વૃક્ષો નિશ્ચિત અંતરે વાવવામાં આવતા હોવાથી, વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે તેથી જમીનનું ધોવાણ અટકે છે. આ વૃક્ષો એકબીજાને સીધા સુર્યપ્રકાશથી પણ બચાવે છે. આવા વનોમાં જૈવવિવિધતા વિકસે છે. બે વર્ષ ના ટુંકા ગાળામાં જ વિકાસ પામેલ વનકવચ જુદા-જુદા પ્રકારના પશુ પક્ષીઓનું આશ્રયસ્થાન બની જાય છે અને જમીન જીવંત થઈ જાય છે. આ પદ્ધતિથી ઘરોની આસપાસની જગ્યાને નાના બગીચા અથવા વનમાં ફેરવી શકાય છે. જે શહેરો માટે ખુબજ ફાયદાકારક પ્રવૃત્તિ તરીકે ગણી શકાય છે.
કોલવડા ડમ્પિંગ સાઇટ ઉપર આકાર લઈ રહેલા વન કવચથી પ્રદૂષણ ફેલાતું અટકશે, એટલું જ નહીં આ વિસ્તારની હરિયાળીમાં વધારો થશે. કચરાની દુર્ગંધથી દૂર ભાગતા લોકો આ જ જગ્યાએ આકાર લઇ રહેલી આ વન સાઇટ પર ફરવા આવશે. એટલે જ જિલ્લા વન સંરક્ષકશ્રી ચંદ્રેશ શામાદ્રે જણાવે છે તેમ વન કવચ અંતર્ગત કોલવડા સાઇટનું આ કામ અન્ય સાઇટ કરતાં યુનિક કામ તરીકે ઉપસી આવશે.