ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-35 માં ગુજરાત ટાઇટન્સ (GT) નો સામનો દિલ્હી કેપિટલ્સ (DC) સામે થયો હતો. 19 એપ્રિલ (શનિવાર) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, દિલ્હી કેપિટલ્સનો સાત વિકેટથી પરાજય થયો હતો. મેચમાં ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેમણે 19.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ગુજરાત તરફથી જોસ બટલરે અણનમ 97 રન બનાવ્યા.આ દિલ્હી કેપિટલ્સનો વર્તમાન IPL સિઝનમાં સાત મેચમાં બીજો પરાજય હતો.
ગુજરાત ટાઇટન્સે પણ 7 મેચ રમી છે અને આ તેમની પાંચમી જીત છે. આ જીત સાથે, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. ગુજરાત અને દિલ્હીના ૧૦-૧૦ પોઈન્ટ છે, પરંતુ ગુજરાતનો નેટ-રન રેટ દિલ્હી કરતા સારો છે.લક્ષ્યનો પીછો કરતી વખતે ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી ન હતી. શુભમન ગિલ 7 રન બનાવીને કરુણ નાયરના થ્રો પર રન આઉટ થયો. બાદમાં, સાઈ સુદર્શન અને જોસ બટલરે બીજી વિકેટ માટે 60 રન ઉમેરીને ઇનિંગ્સને સ્થિર બનાવી. સુદર્શને 21 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 36 રન બનાવ્યા. સુદર્શનને કુલદીપ યાદવે પોતાના સ્પિન બોલમાં ફસાવી દીધો. સુદર્શન આઉટ થયો ત્યારે ગુજરાતનો સ્કોર બે વિકેટે 74 રન હતો.
ત્યાંથી, જોસ બટલર અને ‘ઈમ્પેક્ટ સબ’ શેરફેન રધરફોર્ડે 109 રનની ભાગીદારી કરીને ગુજરાતને વિજયની નજીક પહોંચાડ્યું.૧૯મી ઓવરના પાંચમા બોલ પર મુકેશ કુમારના બોલ પર શેરફેન રૂધરફોર્ડ આઉટ થયા હતા. રૂથરફોર્ડે ૩૪ બોલમાં ૩ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી ૪૩ રન બનાવ્યા. મેચની છેલ્લી ઓવરમાં ગુજરાતને જીતવા માટે 10 રન બનાવવાના હતા. તે ઓવરમાં રાહુલ તેવતિયાએ મિશેલ સ્ટાર્કના પહેલા બોલ પર સિક્સર અને બીજા બોલ પર ફોર ફટકારીને ટીમને જીત અપાવી. આ કારણે જોસ બટલર સદીથી વંચિત રહી ગયો. જોસ બટલરે ૫૪ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૯૭ રનની અણનમ ઇનિંગ રમી હતી.