ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્ય સરકારે નવો દાવ ખેલ્યો છે. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 17 નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોને ધ્યાને લઈ બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે. વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં નવા 23 તાલુકાઓની રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.






