ગાંધીનગરમાં 35 દિવસ પછી આજે જિલ્લામાં માત્ર 80 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. છેલ્લે 8મી જાન્યુઆરીએ જિલ્લામાં 81 દર્દીઓ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. જ્યારે આજે 345 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લીધી છે.
ગાંધીનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની ગતિ મંદ પડી ચૂકી છે. છઠ્ઠી ફેબ્રુઆરીથી કોરોનાના કેસોમાં ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ જિલ્લા માત્ર 80 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જેની સામે 345 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ગઈકાલે 11 મી ફેબ્રુઆરીએ જિલ્લામાં 104 કેસ નોંધાયા હતા. જેમાં 24 દર્દીઓનો આજે ઘટાડો થયો છે.
ગ્રામ્ય વિસ્તારમાં આજે 32 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 104 દર્દી કોરોના મુક્ત થયા છે. જ્યારે 1 દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. અને 31 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. ઉપરાંત આજે 3 હજાર 889 લાભાર્થીને 139 સેન્ટરો પર કોરોના રસી આપવામાં આવી હતી.
એજ રીતે કોર્પોરેશન વિસ્તારમાં પણ માત્ર 48 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 241 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આમ ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણ નાં ઘટાડા સાથે કોરોના દર્દીઓ પણ ઝડપી રિકવરી મેળવીને કોરોના ચેપથી મુક્ત થઈ રહ્યા છે.
જિલ્લામાં છેલ્લા છ દિવસનાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો છઠ્ઠી ફેબ્રુઆરીએ 167,તા. 7મીએ 161,તા. 8મી એ 124, તા. 9મીએ 135, તા. 10 મીએ 143, તા. 11મીએ 104 અને આજે તા. 12 મીએ 80 કોરોના કેસ નોંધાયા છે. આમ કોરોનાની ત્રીજી લહેર વિદાય લેવાની દિશામાં આગળ વધી રહી છે.