જુનિયર ક્લાર્કના ઉમેદવારો પાસેથી વધુ ભાડું ન વસૂલવા પોલીસે રિક્ષાચાલકોને સમજાવ્યા

0
211

પંચાયત પસંદગી મંડળની જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે આવતીકાલે ગાંધીનગરમાં 37,400 ઉમેદવારો પરીક્ષા આપશે. જે માટે જિલ્લાના 121 કેન્દ્રો પર 1247 વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવતીકાલે 9 એપ્રિલના રોજ યોજનાર પરીક્ષામાં ગેરરીતિ તેમજ પેપર લીકને અટકાવવા માટે સીસીટીવી ઓબ્ઝર્વર, સુપરવાઇઝર, આસીસ્ટન્ટ સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક, ફ્લાઇંગ સ્ક્વોડ સહિતને જવાબદારી સોંપવામાં આવી છે. પરીક્ષાની કામગીરીમાં પોલીસ સહિત 1067 કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેશે. ત્યારે જિલ્લા પોલીસે પણ પરીક્ષા આપવા આવતા ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે કવાયત શરૂ કરી છે. પરીક્ષા ટાણે વિવિધ વિસ્તારોમાં આવતા ઉમેદવારો પાસે કેટલાક રિક્ષા ચાલકો વધારે પૈસા લેતા હોવાની ફરિયાદો ઉઠે છે.

ત્યારે ગાંધીનગરમાં આવતા ઉમેદવારોના ખિસ્સા ખાલી નહીં કરવા રિક્ષા ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા છે. ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ઘ 0, ઘ 5, ઘ 6, એલડીઆરપી, પોલીટેકનીક સહિતની 10 જેટલા બસ સ્ટેન્ડ ઉપર ઉભા રહેતા 100થી વધારે રિક્ષા ચાલકોની મુલાકાત લેવાઈ હતી.

રિક્ષા ચાલકોને પરીક્ષા આપવા આવતા ઉમેદવારો પાસેથી વધુ ભાડું નહિ લેવાનું સૂચન કરાયુ હતુ. ત્યારે રીક્ષા ચાલકોએ પણ ટ્રાફિક પોલીસની વાતને સ્વીકારી હતી અને વધુ ભાડુ નહિ લેવાનુ આશ્વાસન આપ્યુ હતુ. કેટલાક રિક્ષા ચાલકોને પોલીસની વિનંતી સાંભળીને ભાવુક બન ગયા હતા.