ડિસેમ્બર મહિનામાં પણ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં આશ્ચર્યજનક વધારો

0
168

ડિસેમ્બર(શિયાળા)ને હેલ્ધી સિઝન કહેવામાં આવી છે પરંતુ વારંવાર બદલાતા વાતાવરણને કારણે વાયરલ બિમારીના દર્દીઓમાં તો વધારો થયો છે જ સાથે સાથે મેલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓ પણ વધ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેલેરિયાના દર્દીઓમાં વધારો થવાની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ મેલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવી પડે છે. ડિસેમ્બરમાં આ પ્રકારે વાહકજન્ય મચ્છરજન્ય બિમારીના દર્દીઓ પ્રકાશમાં આવતા તબીબો પણ આશ્ચર્ય પામ્યા છે.
ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં આ વખતે જુન-જુલાઇમાં મેલેરિયા, ડેન્ગ્યુના કેસ શરૃ થઇ ગયા હતા. જુલાઇ અને ઓગસ્ટમાં તો ગાંધીનગર શહેર તથા જિલ્લામાં ડેન્ગ્યુના વિક્રમી કેસ નોંધાયા હતા. જો કે, જેમ જેમ વરસાદી માહોલ ઓછો થતો ગયો અને ગરમી-ઠંડી વધવા લાગી તેમ તેમ મચ્છરોનો ઉપદ્રવ પણ ઓછો થતો ગયો હતો અને નવરાત્રી તથા દિવાળી વખતે મેલેરિયા તથા ડેન્ગ્યુના કેસ નહીંવત દેખાતા હતા ત્યારે શિયાળાની ઠંડીમાં મચ્છરોનો ઉપદ્રવ આપોઆપ ઘટી જતો હોય છે પરંતુ છેલ્લા ઘણા વખતથી ઠંડી વધ ઘટ થવાની સાથે અગાઉ માવઠાની અસરને પગલે હવે મેલેરિયા તથા ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે.