ભારત-ચીન સરહદ પર લદ્દાખના ગલવાનમાં લોહીયાળ ઘર્ષણ બાદ દેશમાં ચીનની પ્રોડક્ટ્સનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ચાઈનીઝ વસ્તુઓના વિરોધ અને પીએમના લોકલ માટે વોકલ થઈ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કરાયેલી અપીલ વચ્ચે દહેગામ તાલુકાની 272 સ્કૂલોમાં ‘મેડ ઈન ચાઈના’ ટેબલેટ અપાયા છે. સ્કૂલોમાં લેનોવાના ટેબ-7 ટેબલેટ પરની પ્રિન્ટેડ પ્રાઈઝ ગણી તો કુલ 272 ટેબલેટની કિંમત 30 લાખથી વધુ થાય છે. દહેગામના BRC ભવન ખાતે 19 કલસ્ટરમાં સમાવિષ્ટ તાલુકાની 272 જેટલી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકારની યોજના અંતર્ગત ટેબલેટનું વિતરણ કરાયું હતું. વિતરણ કરાયેલા ટેબલેટમાં ક્લેપેડ, વર્કપ્લેસ, વર્કપ્લેસ ચેટ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને ક્યુઆર કોડ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વર્તમાન સમયમાં શિક્ષકો ગૂગલ સ્પ્રેડ શીટ, વર્કપ્લેસ એપ અને વર્કચેટ તેમજ ક્યુઆર કોડના માધ્યમથી દરેક શાળાઓ ડિજિટલ કામગીરી કરી શકશે. ટેબ્લેટના માધ્યમથી બાયસેગ પ્રસારણ કે અન્ય શૈક્ષણિક કાર્યક્રમમાં પણ સીધા જોડાય શકશે. ભવિષ્યમાં એવું પણ બને શકે કે ‘મેડ ઈન ચાઈના’ ટેબલેટથી ઓનલાઈન થઈને શિક્ષકો ‘સ્વદેશી અપનાવો’ જેવા કોઈ કાર્યક્રમમાં પણ ભાગ લેતા જોવા મળે.