દિલ્હીમાં ફટાકડાં પર પ્રતિબંધ ઓનલાઈન ડિલિવરી પણ નહીં…

0
89

દિલ્હીવાસીઓએ વધુ એક દિવાળી ફટાકડાં ફોડ્યાં વગર ઉજવવી પડશે. દિવાળી પહેલા દિલ્હીમાં વાયુપ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) એ 1 જાન્યુઆરી, 2025 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આદેશ અનુસાર ફટાકડા બનાવવા, સંગ્રહ કરવા, વેચવા અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. એટલું જ નહીં, ફટાકડાની ઓનલાઈન ડિલિવરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આમાં ગ્રીન ફટાકડાનો પણ સમાવેશ થાય છે.

આ પ્રતિબંધને કડક રીતે લાગુ કરવાની જવાબદારી દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે. દિલ્હી પોલીસ દરરોજ તેનો રિપોર્ટ DPCCને સોંપશે. જો કે, દિલ્હી ભાજપે ફટાકડા પર પ્રતિબંધ પાછળના તર્ક સામે સવાલ ઉઠાવ્યા છે. સાથે જ આમ આદમી પાર્ટીની સરકાર પર આક્ષેપ મુક્યો છે કે તેણે કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા વિના આ પ્રતિબંધ લગાવી દીધો છે.

બીજી તરફ, પંજાબ સરકારે જણાવ્યું છે કે દિવાળી, ગુરુપૂર્વ, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે. ગ્રીન ફટાકડા, જે બેરિયમ ક્ષાર અથવા એન્ટિમોની, લિથિયમ, પારો, આર્સેનિક, સીસું અથવા સ્ટ્રોન્ટિયમ ક્રોમેટના સંયોજનોથી મુક્ત છે, માત્ર તેમના ઉપયોગની છૂટ અપાઈ છે. દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ કપૂરે દાવો કર્યો હતો કે દિલ્હી સરકારે ફટાકડાને પ્રાથમિક પ્રદૂષક તરીકે દર્શાવતો કોઈપણ રિપોર્ટ તૈયાર કર્યો નથી. કપૂરે કહ્યું હતું કે દિલ્હી સરકારે હજુ સુધી એવો કોઈ વૈજ્ઞાનિક રિપોર્ટ રજૂ કર્યો નથી જે સાબિત કરે કે દિવાળીની રાત્રે ફોડવામાં આવતા ફટાકડા શિયાળામાં પ્રદૂષણનું કારણ છે.