દેશનિકાલનો સામનો કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં રહેવાની તક મળશે

0
216

કેનેડામાંથી દેશનિકાલના જોખમનો સામનો કરી રહેલા આશરે 700 ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન સીન ફ્રેઝરે જણાવ્યું હતું કે ફેક એડમિશન લેટર્સનો ઉપયોગ કરીને વીઝા મેળવવાના આરોપમાં દેશનિકાલનો સામનો કરી રહેલા ભારતના વિદ્યાર્થીઓને કેનેડામાં રહેવાની તક મળે તે સુનિશ્ચિત કરવાની સરકાર પ્રોસેસ વિકસાવી રહી છે. શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન ઓફર લેટર્સ બનાવટી હોવાનું સત્તાવાળાએ શોધી કાઢયાં પછી ભારતના અને ખાસ કરીને પંજાબના વિદ્યાર્થીઓ દેશનિકાલનો સામનો કરી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી નિવાસ માટે અરજી કરી ત્યારે માર્ચમાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

સંસદમાં એક પ્રશ્નના જવાબમાં ફ્રેઝરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફ્રોડનો ભોગ બનેલા નિર્દોષ વિદ્યાર્થીઓને એ સાબિત કરવાની મંજૂરી આપવામાં આવશે કે તેઓનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો હતો. સરકાર તેમના માટે યોગ્ય ઉપાય રજૂ કરશે. તેઓ માનસિક આરોગ્યની ગંભીર ચિંતાનો સામનો કરી રહ્યાં છે. જોકે તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે છેતરપિંડી કરનારાઓ અથવા છેતરપિંડીની યોજનાઓમાં સામેલ લોકોએ તેના પરિણામો ભોગવવા પડશે. ભારતે અગાઉ કેનેડાને માનવીય અભિગમ અપનાવવાનો અનુરોધ કર્યો હતો, કારણ કે વિદ્યાર્થીઓ કેટલાંક એજન્ટ્સના ભોગ બન્યાં છે. વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે દોષિત એજન્ટો સામે  કાર્યવાહી થવી જોઈએ. સારી ભાવનાથી શિક્ષણ લેનાર વિદ્યાર્થીને સજા કરવી અયોગ્ય છે. ભારતના કેટલાંક વિદ્યાર્થીઓએ કેનેડાની ઓથોરિટી પાસેથી સ્ટે ઓર્ડર્સ પણ મેળવ્યા છે. ગયા અઠવાડિયે કેનેડાની સંસદીય સમિતિએ  ભારતીય વિદ્યાર્થીઓના દેશનિકાલને રોકવા અનુરોધ કરતો ઠરાવ સર્વસંમતિથી પસાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યાર્થીઓ સાથે ફ્રોડની ઘટના અંગે ભારતે કેનેડાની સરકાર સાથે રજૂઆત કરી હતી.