નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2024-25ના વર્ષ માટે સામાન્ય બજેટ રજૂ કર્યું…

0
142

ચિંતન આચાર્ય કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી ટર્મ માટે બનેલી એનડીએ સરકારનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2024-25ના વર્ષ માટે સામાન્ય બજેટ રજૂ કર્યું, તેમાં ગુજરાત માટે કોઇ ખાસ જાહેરાત કરાઇ નથી. અલબત્ત કેન્દ્રીય કરવેરામાંથી રાજ્યોને ફાળવાતી રકમ પેટે ગુજરાતને આ વર્ષ માટે 43,378 કરોડ રૂપિયા મળશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. દરેક રાજ્યોને વર્ષોવર્ષ નિયત ટકાવારી પ્રમાણે આ રકમ મળે જે તેમાં ગુજરાતનો હિસ્સો 3.47 ટકા જેટલો રહે છે. કેન્દ્ર સરકારે આ માટે દરેક રાજ્યો વચ્ચે કુલ 12.47 લાખ કરોડ રૂપિયા ફાળવવા માટે નિયત કર્યાં છે. ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષનું બજેટ ગયા ફેબ્રુઆરી માસમાં રજૂ કર્યું હતું જેમાં કેન્દ્રીય કરવેરામાંથી પ્રાપ્ત થતી આવક પેટે 42,245 કરોડ રૂપિયાનો અંદાજ આંક્યો હતો. તેની સામે કેન્દ્રએ મુકેલા અંદાજ મુજબ ગુજરાતને રાજ્યના પોતાના અંદાજ કરતાં 1 હજાર કરોડ રૂપિયા કરવેરાની સહાય પેટે વધુ મળશે. ગયા નાણાંકીય વર્ષમાં ગુજરાતને કેન્દ્ર સરકારના સુધારેલાં અંદાજ મુજબ 38,414 કરોડ રૂપિયા ચૂકવાયાં હતાં, તે જોતાં આ વર્ષે લગભગ 5 હજાર કરોડ રૂપિયા વધુ મળશે.વિકસિત ભારત માટે સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ : ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના બજેટને વિકસિત ભારત માટેના પથને અનુલક્ષીને સર્વગ્રાહી અને સર્વસ્પર્શી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ બજેટથી ગુજરાતના લઘુ અને મધ્યમકદના ઉદ્યોગોને બળ મળશે. આ ઉપરાંત ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વધુ વેગ મળશે તેમજ રૉ-ડાયમંડ માટે આ બજેટમાં જાહેર કરેલી જોગવાઈઓથી ડાયમંડ કટિંગ અને પોલિશીંગ ઇન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહન મળશે તેમ તેમણે જણાવ્યું છે. આવકવેરાના સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં અપાયેલી રાહતથી મધ્યમ વર્ગને મોટો આર્થિક લાભ થશે.