પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 249.80 રૂપિયા પ્રતિ લીટર….

0
230

રોકડની તંગીનો સામનો કરી રહેલી પાકિસ્તાન સરકારે રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં લિટરે 35 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે દેશમાં પહેલેથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહેલી પ્રજાને લોકોને મોટો ફટકો પડ્યો છે. નાણામંત્રી ઈશાક ડારે રવિવારે સવારે ટીવી પર જનતાને સંબોધિત કરતા આ જાહેરાત કરી હતી. અગાઉ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર દર પખવાડિયે અર્થાત્ મહિનાની 1લી અને 16મી તારીખે કરવામાં આવતો હતો.

નાણામંત્રીએ કહ્યું હતું કે અમે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 35 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેરોસીન અને લાઇટ ડીઝલના ભાવોમાં પણ પ્રતિ લીટર 18 રૂપિયાનો વધારો થયો છે.  આ સાથે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 249.80 રૂપિયા પ્રતિ લીટર, હાઇ સ્પીડ ડીઝલ 262.80 રૂપિયા પ્રતિ લીટર, કેરોસીન 189.83 રૂપિયા પ્રતિ લીટર અને લાઇટ ડીઝલની કિંમત 187 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

ગયા અઠવાડિયે, વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે તેમની પાર્ટી પાકિસ્તાન માટે મંજૂર કરાયેલા બેલઆઉટ પેકેજને પુનઃસ્થાપિત કરવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની કડક શરતો સ્વીકારવા માટે તૈયાર છે. ડારે કહ્યું કે સરકારે ગયા વર્ષે ઓક્ટોબરથી આ વર્ષે 29 જાન્યુઆરી સુધી પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને ડીઝલ અને કેરોસીનના ભાવમાં પણ ઘટાડો કર્યો હતો. ભાવવધારા પહેલા પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. નાણામંત્રી ડારે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કિંમતો અને રૂપિયાના અવમૂલ્યનને પગલે વડાપ્રધાન શહબાઝ શરીફની સૂચના પર અમે ચાર ઉત્પાદનોની લઘુત્તમ કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.