પાટનગર ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જાહેર….

0
396

રાજયના પાટનગર ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી કોરોનાની બીજી લહેરના કારણે ઉમેદવારીપત્ર ભરાયા અને પ્રચાર દરમ્યાન જ મોકુફ રાખી દેવામાં આવી હતી. આખરે પાંચ મહિના બાદ રાજય ચૂંટણી પંચે કોર્પોરેશનની ચૂંટણી માટે ૩ ઓકટોબરને રવિવારના રોજ ચૂંટણીની જાહેરાત કરી છે. ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાથી ફકત વોર્ડ નં.૮ અને ૯માં જયાં રાજકીય પક્ષના ઉમેદવારોના નિધન થયા છે ત્યાં ઉમેદવારી પત્ર ફરીથી ભરવામાં આવશે. તા.પ ઓકટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. હાલ તો ચૂંટણી જાહેર થતાંની સાથે જ જાહેર પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ટર્મ પુરી થતાં ચૂંટણી પંચ દ્વારા પાંચ મહિના અગાઉ એપ્રિલની તા.૧૮મીએ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે ૧૧ વોર્ડમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને ઉમેદવારો પ્રચારમાં પણ લાગી ગયા હતા. રાજકીય પક્ષોએ ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરીને મતદારોને રીઝવવાની મથામણ શરૃ કરી હતી ત્યાં જ કોરોનાની બીજી લહેર શરૃ થઈ ગઈ હતી અને ચારેય તરફ કોરોનાની આ મહામારીના કારણે લોકો ચિંતામાં હતા ત્યારે વસાહત મહામંડળોની સાથે રાજકીય પક્ષોએ પણ ચૂંટણી મોકુફ રાખવા માટે માંગણી કરી હતી અને તા.૧૦ એપ્રિલે પંચ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ચોમાસાનો વાહકજન્ય રોગચાળો પણ આ ચૂંટણીને નડી ગયો હતો. આખરે કોરોનાની લહેરની શકયતા નહીં દેખાતા અને પરિસ્થિતિ કાબુમાં હોવાથી ચૂંટણી પંચ દ્વારા આજે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી તા.૩ ઓકટોબરના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે. ત્યારબાદ ઈવીએમને સ્ટ્રોંગ રૃમમાં રાખી દેવામાં આવશે અને તા.પ ઓકટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત થઈ જતાં હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીત તમામ રાજકીય પક્ષો અને અપક્ષો હવે ચૂંટણી પ્રચારમાં કામે લાગી ગયા છે. તો બીજી બાજુ ચૂંટણી તંત્ર પણ હવે ચૂંટણીલક્ષી કામગીરીમાં ફરીથી જોતરાઈ જશે. કોર્પોરેશનની ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ દ્વારા પણ હવે ચૂંટણી લક્ષી જાહેરનામાંઓનો કડકપણે પાલન કરાવવાનું શરૃ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here