પેથાપુર પાલિકા સહિત ૧૭ ગામો મહાનગરપાલિકામાં સમાવાશે

0
1016

ગાંધીનગર મનપા ની સ્થાયી સમિતિની બેઠકમાં ૧૭ ગ્રામપંચાયતો, પેથાપુર
નગરપાલિકા સહિત સાત ગામોના સર્વે નંબરોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની દરખાસ્ત
આખરે પસાર કરી દેવામાં આવી છે. નવી સીમાકનમાં હવે પેથાપુરથી ભાટ-કોટેશ્વર અને વૈષ્ણોદેવી સુધીનો વિસ્તાર ભેળવી દેવાતાં મનપાનો વિસ્તાર ત્રણ ગણો થઈ જશે. કોંગ્રેસનો ગઢ મનાતા ગાંધીનગર મનપાને
આગામી ચૂંટણીમાં સર કરી લેવા માટેનો ભાજપનો આ રાજકીય દાવ મનાય છે. મનપા સ્થાયી સમિતિની બુધવારે મળેલ બેઠકમાં ચાર ભાગમાં હદ વિસ્તરણ માટેનો આ પ્રસ્તાવ કાર્તિક પટેલ તરફથી રજૂ થતાં સર્વાનુમતે પસાર કરાયો હતો. આ પ્રસ્તાવ સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ કરાયા બાદ મંજૂરી માટે સરકારને મોકલી આપવામાં આવશે અને તેના આધારે સરકાર આ વિસ્તારોને ગાંધીનગર મનપામાં ભેળવી દેવા અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડશે. હદ વિસ્તાર વધારવા માટે રજૂ કરાયેલ ચાર ભાગના પ્રસ્તાવમાં પેથાપુર નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, કુડાસણ, રાયસણ, સરગાસણ, રાંદેસણ, કોબા, વાવોલ, કોલવડા, વાસણા હડમતિયા, વાવોલ, કોલવડા, પોર અને અંબાપુર ગ્રાપંચાયતોનો વિસ્તાર, અમિયાપુર, ઝુંડાલ, ભાટ, સુઘડ, ખોરજ, નભોઈ કોટેશ્વર ગ્રામપંચાયતો ઉપરાંત તારાપુર, ઉવારસદ,
ઇન્દ્રોડા, શાહપુર, બાસણ, લવારપુરના સર્વે નંબરો ધરાવતા વિસ્તારોને ભેળવી દેવાની વાત રજૂ થઈ હતી. વિપક્ષી નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ પ્રસ્તાવ અંગે પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે મતોના ધ્રુવીકરણ માટે લેવાયેલ આ નિર્ણયથી ગામડાઓનો વિકાસ રુંધાશે  અને માત્ર મનપાની તિજોરી જ ભરાશે. જિલ્લા પંચાયત પ્રમુખ મંગુબેને પણ આ પ્રસ્તાવને વખોડી કાઢ્યો છે. જ્યારે મેયર રીટાબેન પટેલે સ્પષ્ટ જણાવ્યું છે કે આમાં મતોનું કોઈ રાજકરણ નથી, માત્ર ને માત્ર વિકાસની જ વાત છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here