‘ફર્ઝી’માં રિયાલિટી દર્શાવવા નકલી ચલણી નોટ પ્રિન્ટ કરવામાં આવી હતી

0
252

શાહિદ કપૂરની ડેબ્યૂ વેબ સિરીઝ દેશ અને વિદેશમાં વાહવાહી લૂંટી રહી છે. શાહિદ અને વિજય સેતુપતિની એક્ટિંગ અને સ્ટોરીલાઈનને વ્યૂઅર્સ વખાણી રહ્યા છે. અગાઉ, રાજ અને ડીકે દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘ફેમિલી મેન’ને આજે પણ દર્શકો યાદ કરે છે અને આ વર્ષે રિલીઝ થનારા તેના ત્રીજા પાર્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સિરીઝ અંગે ડીકેએ કહ્યું હતું કે, અમે રિયાલિટી પર ફોકસ કરીએ છીએ અને તેના માટે મહેનત કરીએ છીએ. ખરેખર, આવા પ્રકારની ફેક કરન્સી તૈયાર કરતા લોકો કેવી ટેક્નિક અને મોડસ ઓપરેન્ડીથી કામ કરતા હોય છે તેને ‘ફર્ઝી’માં દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

શો ક્રિએટર ક્રિષ્ના ડીકેએ કહ્યું હતું કે, શોની તૈયારી માટે અમે અનેક વિગતો વિશે રિસર્ચ કર્યું હતું. દુનિયામાં કેવી-કેવી રીતે છેતરપિંડી થાય છે અને તેમાં કેવી રીતે લોકો સંકળાય છે તે વિશેની તમામ માહિતી ભેગી કરી હતી. ફેક કરન્સી કેવી રીતે છપાય છે અને તેનું પ્રિન્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે તેની ટેક્નિકલ ડીટેઈલ પણ એકથી કરી હતી. ઘણી બધી વસ્તુ એવી હોય છે કે તેને એમ જ તૈયાર કરી શકાતી નથી. રિસર્ચ દરમિયાન પણ અનેક દિવસોનો ટાઈમ અને મહેનત લાગે છે. અમે શૂટિંગ દરમિયાન નકલી નોટો પ્રિન્ટ કરી હતી. જેમાં કોઈપણ પ્રકારના વીએફએક્સનો ઉપયોગ કર્યો નથી. અમે જાતે જ નકલી ચલણી નોટ પ્રિન્ટ કરીને સીન્સમાં દર્શાવી છે અને તેના કારણે જ તો જ સ્ક્રીન પર રિયાલિટી નજર આવી શકે છે.

શાહિદ કપૂરે સિરીઝના લોન્ચિંગ સમયે ખુલાસો કર્યો હતો કે, 8 વર્ષ પહેલા રાજ અને ડીકેએ તેને આ સ્ટોરીનો આઈડિયા સંભળાવ્યો હતો, પરંતુ તે સમયે સ્ટોરીની લંબાઈ ખૂબ જ હતી અને તેને એક ફિલ્મમાં દર્શાવી શકાય તેમ ન હતી.  આ કારણે જયારે હવે ઓટીટી પર વેબ સિરીઝ દર્શાવવાનો સ્કોપ છે ત્યારે આ સિરીઝ બનાવવી જરૂરી હતી. શાહિદે વેબ સિરીઝની સ્ટોરીને વખાણી હતી અને આ કારણે જ તે વેબ પર ડેબ્યૂ કરી રહ્યો હોવાનું સ્વીકાર્યું હતું.