ભારત ત્યાં પહોંચ્યું છે જ્યાં કોઈ નથી પહોંચી શક્યુંઃ બેંગલુરૂમાં ચંદ્રયાન-3ની ટીમને મળ્યા PM મોદી

0
271

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બેંગલુરૂમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા હતા અને ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઈસરોના ચેરમેન એસ સોમનાથ વ્યક્તિગત રીતે વડાપ્રધાન મોદીને આવકારવા માટે ગયા હતા. વડાપ્રધાને સોમનાથની પીઠ થપથપાવી હતી અને બાદમાં તેમને ગળે લગાડ્યા હતા. વડાપ્રધાન મોદીએ બાદમાં ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા હતા અને આ દરમિયાન તેઓ ભાવુક પણ બન્યા હતા. તેમણે ચંદ્રયાન-3ની ટીમની પ્રતિબદ્ધતા અને પ્રયાસો માટે તેમની પ્રશંસા કરી હતી.

આ સાથે જ વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર જ્યાં ઉતર્યું હતું તે જગ્યાને ‘શિવ શક્તિ’ નામ આપ્યું હતું. આ સાથે જ તેમણે તે પણ જાહેરાત કરી હતી કે 23 ઓગસ્ટનો દિવસ હવે ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવામાં આવશે. ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે હું એક અલગ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું કેમ કે આવો પ્રસંગ ક્યારેક જ આવતો હોય છે. આ વખતે હું સાઉથ આફ્રિકામાં હતો પરંતુ મારૂં મન તમારી સાથે હતું. હું તમને શક્ય તેટલી જલદી મળવા ઈચ્છતો હતો. હું તમને સલામ કરું છું, તમારા પ્રયાસોને સલામ કરું છું. તમે મેક ઈન ઈન્ડિયાને ચંદ્ર પર લઈ ગયા છો.

તમે ભારતને જે ઊંચાઈએ લઈ ગયો છો તે કોઈ સામાન્ય ઊંચાઈ નથી, આ કોઈ સાધારણ સફળતા નથી. હવે ભારત ચંદ્ર પર છે. આપણે આપણા દેશનો ગર્વ ચંદ્ર પર લઈ ગયા છીએ. આપણે ત્યાં ગયા છીએ જ્યાં કોઈ જઈ શક્યું નથી. આપણે તે કરી દેખાડ્યું છે જે અગાઉ કોઈ કરી શક્યું નથી, તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે ભારત પહેલા રશિયા, અમેરિકા અને ચીન ચંદ્ર પર પહોંચી ચૂક્યા છે પરંતુ ભારત ચંદ્રના સાઉથ પોલ એટલે કે દક્ષિમ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે.