મચ્છરજન્ય બિમારીના કેસમાં વ્યાપક વધારો ……

0
577

છેલ્લા દોઢ મહિનાથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં વરસાદનું એક ટીંપુ પણ પડયું ન હતું તેમ છતા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા જેવી વાહકજન્ય બિમારીના કેસમાં વ્યાપક વધારો થયો હતો. ગત સપ્તાહમાં ફક્ત સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય બિમારીના સોથી પણ વધુ કેસ નોંધાયા છે. તો સાથે ખાનગી હોસ્પિટલ અને ક્લિનીકમાં પણ કેસ છેલ્લા ઘણા દિવસોથી વધ્યા હોવાનું સામે આવી રહ્યું છે. મેલેરિયા કરતા ડેન્ગ્યુના કેસ જે રીતે વધ્યા છે તે જોતા આગામી દિવસોમાં હજુ પણ કેસ વધશે તેમ લાગી રહ્યું છે. તો બીજીબાજુ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ ગોઠવીને ઘર કે કામ કરવાના સ્થળે ભરાતા પાણીના ખાબોચિયા પુરવાનું કામ ચાલી રહ્યું છે.

કોરોનાનું સંક્રમણ સુખદ રીતે ઘટયું છે પરંતુ બીજીબાજુ મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. માખી-મચ્છરના ઉપદ્રવ વચ્ચે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનીયા જેવા વાહકજન્ય બિમારીના કેસમાં ખુબ જ વધારો થયો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા દોઢ મહિનાથી વરસાદ પડયો નથી તેમ છતા મચ્છરને કારણે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુત્રોમાંથી મળતી માહિતી ઉપર નજર કરીએ તો, સિવિલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન મેલેરિયાના ૫૧ જ્યારે ડેન્ગ્યુના ૬૪ જેટલા કેસ સરકારી ચોપડે નોંધાયા છે. એટલુ જ નહીં, ચિકનગુનીયાના કેસ પણ આ સિઝનમાં પ્રકાશમાં આવી રહ્યા છે જે પણ તબીબો માટે આશ્ચર્યજનક બાબત છે. ફક્ત સિવિલમાં એક જ સપ્તાહમાં મેલેરિયા-ડેન્ગ્યુના ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે તો બીજીબાજુ ગાંધીનગર શહેર અને જિલ્લાના ખાનગી દવાખાના તથા ક્લિનીકમાં પણ મેલેરિયા-ડેન્ગ્યુના કેસ ખાસ જોવા મળી રહ્યા છે. ખાનગી ડોક્ટરોના ક્લિનીકો વાહકજન્ય બિમારીના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ગાંધીનગરમાં વગર વરસાદે મચ્છરજન્ય બિમારીના કેસ વધ્યા છે ત્યારે હવે છેલ્લા બે દિવસથ વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવે મચ્છરોનો ઉપદ્રવ વધશે અને કેસ પણ વધશે. આ છુટાછવાયા કેસ કોઇ રોગચાળામાં ન ફેલાય તે માટે સરકારી તંત્ર પણ મહેનત કરી રહ્યું છે. ઘર કે કામ કરવાના સ્થળે વરસાદી કે કોઇ પણ પ્રકારનું પાણી ભરાઇ રહે નહીં તે માટેની તકેદાર રાખવા માટે તંત્રએ સુચના તો આપી છે સાથે સાથે ખાસ ડ્રાઇવ ચલાવીને પાણી ભરાતા પાત્રોને ખાલી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here