ગાંધીનગર શહેરમાં આવેલી તમામ મિલકતોનું જીઆઇએસ મેપીંગ મારફતે રીસર્વે કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે. શહેરમાં આવેલી 2.15 લાખ મિલકતોમાં ખુલ્લા પ્લોટ, રહેણાંક મકાનો, ઔદ્યોગિક- કોમર્શિયલ યુનિટ, બિલ્ડીંગ સહિતનો કેટેગરી સાથે ક્ષેત્રફળની નોંધ સાથેનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા 4 વર્ષ અગાઉ મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે મહાનગરપાલિકા હસ્તક માત્ર સેક્ટર વિસ્તાર હતો. એ વખતે થયેલા સર્વેમાં 55 હજાર રહેણાંક અને 10 હજાર જેટલી કોમર્શિયલ, ઔદ્યોગિક, અન્ય મળીને કુલ 65 હજાર જેટલી મિલકતો નોંધાઇ છે. તે પછી ટીપી વિસ્તારોનો પણ સમાવેશ મહાનગરપાલિકામાં થયો છે તેમજ ચાર વર્ષ દરમિયાન નવી ઉભી થયેલી અને ફેરફાર થયેલી મિલકતોની પણ નોંધ કરવાની રહે છે. આથી આ મિલકતોનો રીસર્વે થશે. આ વખતે મહાનગરપાલિકા દ્વારા એઆઇ આધારિત GIS મેપીંગથી રીસર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી તમામ મિલકતોનો ડેટાબેઝ રહેશે અને તેની સેટેલાઇટ ઇમેજ સહિતનો ડેટા મહાનગરપાલિકા પાસે રહેશે.
મહાનગરપાલિકામાં હાલ 2.15 લાખ જેટલી મિલકતો નોંધાયેલી છે. આ તમામનો રીસર્વે થશે સાથે મહાનગરપાલિકા હસ્તકના તમામ મકાનો અને ખુલ્લા પ્લોટને પણ આવરી લેવામાં આવશે. કુલ મળીને 2.15 લાખથી વધુ મિલકતોનું GIS મેપીંગ થશે. આ સમગ્ર કામગીરી પાછળ કુલ 9 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. એજન્સી મારફતે આ કામગીરી કરવાની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે.
ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન ચેમ્બર અને સ્ટ્રીટલાઇટ પોલનું પણ જીઓ ટેગિંગ થશે
આ સરવેમાં તમામ મિલકતો ઉપરાંત ડ્રેનેજ ચેમ્બર, સ્ટોર્મ વોટર ચેમ્બર, સ્ટ્રીટ લાઇટ પોલનો પણ સમાવેશ કરવામાં આવશે. જે જગ્યાએ ચોકઅપ થાય કે સ્ટ્રીટ લાઇટો બંધ થાય તો તેની પણ ચોક્કસ માહિતી કંટ્રોલ રૂમમાંથી મળી શકશે. તમામનું જીઓ ટેગિંગ થશે.
બીયુ પરમિશન સાથે ડેટા અપડેટ થશે
આ કામગીરી સંપૂર્ણપણે એઆઇ આધારિત હશે. તમામ મિલકતોનો ડેટાબેઝ રહેશે અને સેટેલાઇટ ઇમેજ પણ રહેશે. બીયુ પરમિશન માટે અરજી આવે તે સાથે ડેટા પણ અપડેટ થાય તેવી વ્યવસ્થા રહેશે. એજન્સીના માણસો જીઆઇએસ મેપીંગ સાથે સ્થળ તપાસ કરીને બંને ડેટા મેચ કરશે. > -ગૌરાંગ વ્યાસ, ચેરમેન- સ્ટેન્ડિંગ કમિટી
દબાણ કે ગેરકાયદે બાંધકામ થશે તો કંટ્રોલરૂમને જાણ થશે
મહાપાલિકાના પ્લોટને પણ આવરી લેવાશે જેથી તે મિલકતોનો ડેટા રહે અને તેમાં દબાણ થાય તો પણ ખ્યાલ આવી શકે. આ ઉપરાંત ખાનગી મિલકતોમાં નિયમ વિરૂદ્ધ વધારાનું બાંધકામ થશે તો પણ કંટ્રોલરૂમમાંથી જાણી શકાશે.






